કોરોના(Corona) મહામારી દરમિયાનનો ગાળો દરેક માટે ખુબ જ ખરાબ હતો. જેમાં કેટલાય લોકોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યાં છે. ત્યારે ગાંધીનગર (Gandhinagar)માં રહેતા 58 વર્ષીય પિતા અને 50 વર્ષીય માતાનો લોકસેવા કરતો એકનો એક 26 વર્ષીય પુત્ર પણ ફેફસાંના ગંભીર ઇન્ફેક્શનનો ભોગ બનીને મૃત્યુ પામ્યો હતો. જેના કારણે આ દંપતી ડિપ્રેશનમાં સરી પડ્યું હતું.
પરંતુ આઇવીએફ ટ્રીટમેન્ટથી પ્રથમ સાયકલમાં જ ગર્ભાવસ્થા રહેતાં રથયાત્રાને દિવસે આ માતાએ પોણા ત્રણ કિલોના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. જેને પગલે ફરી એક વાર દંપત્તિના જીવનમાં ખુશીઓ છવાઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર, મૃતકના પિતા 58 વર્ષીય મગનભાઇ ભગોરા ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારી હતા. હાલ તેઓ નિવૃત્ત છે. આ અંગે તેઓએ જણાવ્યું છે કે, કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની મદદ કરતાં મારા 26 વર્ષીય પુત્રના લગ્ન માટે અમે છોકરી શોધતા હતા. ત્યારે જ અમારા પુત્રને કોરોના સંક્રમણ થયું અને ગણતરીના કલાકોમાં જ તે મૃત્યુ પામ્યો. અમારું જીવન અંધકારમય બની ગયું. હું અને મારા પત્ની પુત્ર વિયોગમાં આઘાતમાં સરી પડ્યાં હતા.
પોણા ત્રણ કિલોના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો:
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આવી કફોડી સ્થિતિ દરમિયાન અમારી તકલીફ જોઇને એક શિક્ષક મિત્રએ અમને આઇવીએફની સલાહ આપીં હતી. જેથી આઇવીએફ ટ્રીટમેન્ટ માટે અમદાવાદના આંબાવાડીમાં ‘પ્લેનેટ વિમેન’ના ડૉ. મેહુલ દામાણી અને ડૉ. સોનલ દામાણીને મળ્યાં હતા. ડો. દામાણીએ અમારી સ્થિતિ જાણીને તપાસ બાદ સારવાર શરૂ કરી અને જાણે ભગવાન પણ અમારો ગુમાવેલો પુત્ર પરત કરવા માગતો હોય તેમ 50 વર્ષની વયે રથયાત્રાને દિવસે જ મારી પત્નીએ પોણા ત્રણ કિલોના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો.
કુદરતે પણ જાણે દંપતીનો સાથ આપ્યો:
જાણવા મળ્યું છે કે, એપ્રિલ મહિનામાં સરકારે ધ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (એઆરટી) એક્ટ પસાર કર્યો છે, જે અંતર્ગત હવેથી 50 વર્ષથી વધુ વયની મહિલાની આઇવીએફ સારવાર થઇ શકશે નહીં. પરંતુ કુદરત પણ જાણે દંપતીનો સાથ આપતી હોય તેમ ગત વર્ષે મહિલાની આઇવીએફ સારવાર શરૂ થઇ. જો તેઓ થોડા મોડા પડ્યાં હોત તો વિજ્ઞાન અને અદ્યતન ટેકનોલોજી હોવા છતાં આઇવીએફ ટ્રીટમેન્ટ બની ન હોત. આ રીતે આ દંપત્તિના અંધકારમઈ જીવનમાં ફરી એક વાર રોશની આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.