સુરતમાં કોરોના થયો ગાંડો! 29 જેટલા આખે આખા પરિવાર કોરોનાની ઝપેટમાં આવતા મચ્યો હાહાકાર

ગુજરાત(Gujarat): ઓમિક્રોન(Omicron) વેરિયન્ટના કેસો આવ્યા પછી સુરતમાં કોરોના સંક્રમણ પુરપાટ ઝડપે ફેલાય રહ્યું છે. હવે ઓમિક્રોન દર્દીની વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તો પણ ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ સુરતમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 11 દિવસમાં જ 29 જેટલા આખે આખા પરિવાર કોરોના(Corona)ની ઝપેટમાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ પરિવારોના 162 સભ્યો કોરોનાના કારણે ઘરમાં બંધ થયા છે.

સૌથી વધુ બાળકો થઇ રહ્યા છે સંક્રમિત:
સુરત શહેરમાં 1થી 18 વર્ષના વયજૂથમાં સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા 8 દિવસમાં શહેરમાં 1થી 18 વર્ષના 904 બાળકો સંક્રમિત થતા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. શરૂઆતમાં શાળાઓમાં કેસ આવી રહ્યા હતા. જેના કારણે ધોરણ 1થી 9ના વિધાર્થીઓની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. જોકે, ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓમાં હવે ધીમે ધીમે સંક્રમણ પ્રસરી રહ્યું એવું લાગી રહ્યું છે.

સુરત શહેરમાં 15થી 18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં 1.94 લાખ બાળકોને વેક્સિન મુકવા માટે ધ્યાને લેવામાં આવ્યા હતા. પહેલા એક અઠવાડિયામાં ખૂબ જ ઝડપથી વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે રસીનો જથ્થો ખૂટવાની સાથે સાથે રજાઓના કારણે રસીકરણની ગતિ ધીમી પડી જવા પામી છે. એક તરફ વિદ્યાર્થીઓ કોરોનાના ભરડામાં આવી રહ્યાં છે ત્યારે ધીમા રસીકરણને લઈને વાલીઓમાં પણ ચિંતાનો માહોલ ફેલાયો છે.

છેલ્લા 24 કલાકમાં સુરતમાં નોંધાયેલા કેસોની યાદી:
ગઈ કાલે સુરત શહેરમાં નવા 1988 અને જિલ્લામાં 136 કેસ સામે આવ્યા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,56,580 પહોંચી ગઈ છે. આ સાથે એક કોરોના દર્દીનું મોત થયું હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2121 થઇ ગયો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 10 હજારને પાર થઇ જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *