ડીસામાં એક જ દિવસમાં ત્રણ અકસ્માતમાં 3 મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી

Deesa Accident: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં એક જ દિવસમાં વિવિધ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી હતી. ડીસામાં (Deesa Accident) 2જી માર્ચ અને રવિવારે જુદા-જુદા સ્થળોએ એક જ દિવસમાં ત્રણ અકસ્માતની ઘટના બની છે. ત્રણેય અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. એક જ દિવસમાં ત્રણ અકસ્માતની ઘટના બનતાં પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું.

કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત
ડીસા તાલુકામાં ઝેરડા હાઇવે પર એક્ટિવા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, એક્ટિવાનો ભુક્કો બોલાઈ ગયો અને કારની બોનેટનો પણ ઘણો ભાગ તૂટી ગયો હતો. આ અકસ્માતમાં ઈક્ટિવા ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

બાઈક સવારનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત
બીજી બાજું ડીસાના સમૌમા વિસ્તારમાં પણ બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર સાઇડમાંથી નીકળવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે અચાનક કાર ચાલકે ગાડીમાં બાજુમાં લેતા અકસ્માત સર્જાયો હતો. કારની સ્પીડ વધારે હોવાના કારણે બાઈકનો ભુક્કો બોલાઈ ગયો હતો, તેમજ બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

બે ટ્રેલર વચ્ચેની અથડામણમાં એકનું મોત
આ સિવાય ડીસાના કુચાવાડ વિરોણા રોડ પર પણ બે ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ડીસામાં એક જ દિવસમાં અકસ્માતની ત્રણ ઘટના બનતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. ત્રણેય ઘટનામાં પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલી અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.