ટેસ્લા કારમાં આગ લાગતા કેનેડાના ટોરન્ટોમાં 3 ગુજરાતીઓને ભરખી ગયો કાળ

Canada Accident News: ટોરંટોમાં ગુરુવારે વહેલી સવારે ટેસ્લાનો ભયાનક અકસ્માત થતાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચારના મોત થયા છે, જ્યારે એક માત્ર બચી ગયેલા વ્યક્તિને સળગતી કારમાંથી એક રાહદારીએ ખેંચી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. ટોરંટોની (Canada Accident News) પોલીસે આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના નામ જાહેર નથી કર્યા, પરંતુ આ તમામ લોકો ગુજરાતીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું તેમજ બે મૃતકો સગાભાઈ બહેન હોવાની જાણકારી પણ સામે આવી છે.

ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
કેનેડિયન મીડિયાના રિપોર્ટ અનુસાર ડાઉનટાઉન ટોરંટોમાં આ અકસ્માત ચેરી સ્ટ્રીટ નજીક લેક શોર બુલેવર્ડમાં રાત્રે 12.10 કલાકે થયો હતો. આ કારમાં ત્રણ પુરુષો અને બે મહિલા સવાર હતા, જેના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ગાર્ડડ્રીલ સાથે અથડાઈને આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. ટોરંટો પોલીસના ડેપ્યુટી ઈન્સપેક્ટર ફિલિપ સિનક્લેરના જણાવ્યા અનુસાર ગાર્ડડ્રીલ સાથે અથડાયેલી કાર ત્યારબાદ એક કોંક્રિટ પીલરમાં ઘૂસી જતાં તેના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

3 લોકોના મોત
કારમાં અકસ્માત બાદ આગ લાગી હોવાનો મેસેજ મળતાં ફાયરબ્રિગેડ સ્પોટ પર પહોંચી તો હતી પરંતુ ત્યાં સુધીમાં કાર લગભગ બળીને ખાક થઈ ગઈ હતી અને તેની અંદર સવાર પાંચ લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિને બચાવી શકાયો હતો. અકસ્મતમાં મોતને ભેટેલા તમામ ગુજરાતીઓ 20-30 વર્ષના હોવાનું કેનેડાની પોલીસે જણાવ્યું હતું પરંતુ તેમના વિશે બીજી કોઈ માહિતી હાલ જાહેર કરવામાં નથી આવી. જોકે, કેનેડામાં રહેતા ગુજરાતીઓનું માનીએ તો તમામ મૃતકો ચરોતરના વતની હતા અને તેમના ફેમિલી મેમ્બર્સ આજે પણ ગુજરાતમાં જ રહે છે.

એક યુવતીનો થયો બચાવ
આ અકસ્માતમાં જે એકમાત્ર વ્યક્તિનો બચાવ થયો છે તેની ઓળખ પોલીસે માત્ર 20 વર્ષની યુવતી તરીકે કર્યો છે, જેની હાલત હાલ ગંભીર ગણાવાઈ રહી છે પરંતુ તેને જીવનું જોખમ નથી. આ યુવતીને એક બાઈકરે સળગતી કારમાંથી બહાર ખેંચી લીધી હતી, પરંતુ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી આ યુવતી કંઈ પણ બોલી શકવાની હાલતમાં નથી.

પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી
આ ગમખ્વાર અકસ્માત કયા કારણે થયો હતો તેની હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પોલીસે અકસ્માતને જોનારા કોઈપણ વ્યક્તિને પોતાનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરી છે. અકસ્માતનો ભોગ બનેલી કાર ઈલેક્ટ્રીક હોવાથી તેમાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હોવાનું ટોરંટો પોલીસના એક અધિકારીએ જણાવ્યુ હતું પરંતુ તેમણે તુરંત જ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે પેટ્રોલ-ડીઝલ કારમાં પણ આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈલેકટ્રીક કારમાં લાગેલી આગ ઓલવવા માટે વધારે પાણીની જરૂર પડે છે અને આગ ઓલવાઈ જાય ત્યારબાદ તેની બેટરીના સેલ્સ ફરી ગમે ત્યારે આગ પકડી શકે છે.