ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પૂરપાટ ઝડપે જતી ઇકો ટ્રકમાં ઘૂસી જતાં એક જ પરિવારના 3 લોકોના મોત, ચાર ઘાયલ

Surendranagar Accident: સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો છે. હરિપર બ્રિજ પાસે ખૂબ જ ઝડપે જઈ રહેલી એક ઈકો કાર (Surendranagar Accident) આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ઈકો કારમાં સવાર સાત લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા.

3 લોકોના થયા કમકમાટીભર્યા મોત
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર ધ્રાંગધ્રાનો પરિવાર ઇકો કારમાં અમદાવાદથી ધ્રાંગધ્રા પરત ફરી રહ્યો હતો. ઇકો કાર ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર હરિપર બ્રિજ પાસે પહોંચી ત્યારે ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષો હોવાનું હાલ જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસ તથા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી.

મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તેમજ અકસ્માતની ઘટનામાં ઘાયલ થયેલા ચાર લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. બનાવના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મૃતકોના નામ
પ્રફુલાબેન ગિરીશભાઈ મારુ (ઉંમર 56)
વિશાલભાઈ કમલેશભાઈ મારુ (ઉંમર 24)
કિશોરભાઈ મોહનભાઈ ડાભી (ઉંમર 65)

ઘાયલોના નામ
ચેતનાબેન કમલેશભાઈ મારુ (ઉંમર 40)
ભાવિનભાઈ ગિરીશભાઈ મારુ (ઉંમર 28)
કૌશલભાઈ ભાવિનભાઈ મારુ (ઉંમર 9)
કમલેશભાઈ ખીમજીભાઈ મારુ (ઉંમર 55)