સુરતના પરિવારે તાપી નદીમાં લગાવી મોતની છલાંગ; આર્થિક સંકડામણને કારણે કર્યો આપઘાત

Surat News: સુરતના કામરેજ સ્થિત ગલતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. મૃતકોમાં એક મહિલા (Surat News) અને બે પુરુષ છે. જેમાં માતા-પુત્ર અને પિતા હોવાનું બહાર આવ્યું છે. આર્થિક સંકડામણના લીધે એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

જો કે આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. ફાયર વિભાગે ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા છે. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આર્થિક સંકડામણના કારણે નદીમાં 3 લોકોએ કૂદી આપઘાત કર્યો
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સુરત જિલ્લાના કામરેજમાં ટીંબા પાસે ગલતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. સુરતના રહેવાસીઓ ગલતેશ્વર ગયા હતા. ત્યારે પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદી પર બનેલા બ્રિજ પર કૂદકો મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

નદીમાં ત્રણ લોકો ડૂબ્યા હોવાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ પહોંચી હતી. ગત રાત્રે શોધખોળ દરમિયાન મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે બે પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે.

મૃતદેહોને પીએમ અર્થે ખસેડવવામાં આવ્યા
આજે સવારે ફાયર વિભાગ દ્વારા બે પુરુષોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક વિગતો અનુસાર મૃતકો સુરત શહેરના અને આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.