સુરત(Surat): શહેરમાં આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ વધુ એક આપઘાતની ચકચારી ઘટનાના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, સુરતના કતારગામ (Katargam)માં 3 વર્ષના માસુમ પુત્રને ગળેફાંસો આપ્યા બાદ માતાએ પણ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ સાથે નાની નાની વાતોમાં ચાલી રહેલા ઘરકંકાસના કારણે જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ પોલીસ દ્વારા માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
માતાએ છતના હુંક સાથે દોરી વડે ફાંસો ખાધો:
મળતી માહિતી અનુસાર, રાકેશભાઈ લાલજીભાઈ ઝાંઝમેરા(34) મૂળ ભાવનગરના મહુવાના લોંગીયા ગામના વતની છે. તેમજ હાલ કતારગામ શિવછાયા સોસાયટી, પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓ હીરાના કારખાનામાં કામ કરે છે. રાકેશભાઈના 11 વર્ષ અગાઉ યોગીતાબેન(31) સાથે લગ્ન થયા હતા અને તેમને સંતાનમાં 2 પુત્ર હતા. યોગીતાબેને શનિવારે બપોરે તેમના નાના 3 વર્ષના પુત્ર દેવાંશને પંખા સાથે દુપટ્ટા વડે ગળેફાંસો આપી હત્યા કર્યા બાદ પોતે પણ છતના હુંક સાથે દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો.
મોટો દીકરો રમીને પરત આવતા માતાએ દરવાજો ન ખોલ્યો:
જયારે માતા અને પુત્રે ગળેફાંસો ખાધો એ દરમિયાન યોગીતાબેનનો મોટો પુત્ર રમવા ગયો હતો. જ્યાંથી ઘરે આવી દરવાજો ખખડાવ્યો છતા માતાએ દરવાજો ન ખોલતા તેણે પાડોશીને જાણ કરી હતી. બાદમાં પાડોશીએ રાકેશભાઈને જાણ કરી હતી. જોકે, રાકેશભાઈ હોસ્પિટલમાં હોવાથી યોગીતાના ભાઈને જાણ કરતા ઘરે દોડી આવી દરવાજો તોડતા યોગીતાબેન અને દેવાંશ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ઝઘડાના આવેશમાં આવીને આકરું પગલું ભર્યું:
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં રાકેશભાઈ અને તેમની પત્ની યોગીતાબેન વચ્ચે લાંબા સમયથી નાની નાની વાતોમાં ઘરકંકાસ ચાલતો હોવાથી યોગીતાબેને આવેશમાં આવીને આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
આ અંગે જાણવા મળ્યું છે કે, રાકેશભાઈ અને યોગીતાબેન વચ્ચે અવાર નવાર નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા. જોકે પરિવારના સભ્યો તેમને સમજાવીને સમાધાન કરાવી દેતા હતા. શુક્રવારે પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ શનિવારે યોગીતાબેને આકરું પગલું ભરી લીધું હતું. પોલીસે માસુમ દેવાંશની હત્યાનો માતા સામે ગુનો નોંધી તપાસ કરી છે. હત્યા બાદ આપઘાત કરી લેનાર યોગીતાબેનના પતિ જ ફરિયાદી બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.