સોડાકાંડ કે કેમિકલકાંડ? નડિયાદમાં જીરા સોડા પીધા પછી 3 યુવકોના પાંચ મિનિટમાં મોત

Nadiad Sodakand News: નડિયાદના મંજીપુરા વિસ્તારમાં શંકાસ્પદ પીણું પીધા બાદ ત્રણ લોકોના શંકાસ્પદ મોત નીપજ્યાં છે. નડિયાદના પોલીસે આપેલી માહિતી પ્રમાણે, મૃત્યુ પામેલાઓનું નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. મૃત્યુ પામનારાઓમાં પાણીપુરીનો (Nadiad Sodakand News) ધંધો કરનાર, કલર કામ કરનાર અને એક અજાણ્યા વ્યક્તિનો સમાવેશ થાય છે. પરિવારે દેશી દારૂ પીવાના કારણે મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે ખેડાના એસપી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ લોકોના બ્લડ સેમ્પલમાં મિથેનોલની હાજરી આવી નથી. એટલે કે, આ લોકોએ દેશી દારૂ પીધાનું બ્લડ રિપોર્ટમાં આવ્યું નથી. પરંતુ હજી આ લોકોએ જે બોટલથી શંકાસ્પદ પીણું પીધું હતું તે અંગે અનેક દિશામાં એફએસએલની તપાસ ચાલી રહી છે.

ત્રણ મૃતકો કોણ?
મળતી માહિતી મુજબ, નડિયાદના જવાહર નગરમાં શંકાસ્પદ પીણું પીધા બાદ ત્રણ વ્યક્તિઓની તબિયત લથડી હતી. જેમાંથી ત્રણ લોકોના કમનસીબે મૃત્યુ થયા છે. મૃતકોની માહિતી જોઈએ તો, યોગેશકુમાર ગંગારામ કુશવાહ, ઉંમર વર્ષ 45, રહે: પરી હાઉસ, એસ.આર.પી., નડિયાદ – વ્યવસાય: પાણીપુરીનો ધંધો 2. રવિન્દ્ર ઝીણાભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 50, રહે: હાઉસિંગ બોર્ડ, જવાહરનગર પાસે, નડિયાદ – વ્યવસાય: કલર કામ 3. કનુભાઈ ધનજીભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 59, રહે: જલારામ નગર સોસાયટી, મંજીપુરા રોડ, નડિયાદ – વ્યવસાય: અજાણ્યો.

બ્લ્ડ રિપોર્ટમાં શું આવ્યું?
આ અંગે ખેડાના એસપી, રાજેશ ગઢિયાએ મીડિયાને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ત્રણ મૃતકોના બ્લડ સેમ્પલ લઈને એફએસએલમાં રાત્રે જ મોકલી દેવામાં આવ્યા હતા. તેમના લોહીના રિપોર્ટમાં લોહીમાં મિથેનોલ હાજર નથી તેવું આવ્યું છે. પરંતુ એફએસએલ અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ થઈ રહી છે.

સાક્ષીએ વર્ણવી આખી ઘટના
આ સાથે તેમણે જણાવ્યું છે કે, એક સાક્ષી વરૂણ પરમારની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ત્રણ મૃતકો પૈકીના કનુભાઈ ચૌહાણ જીરા સોડાની પ્લાસ્ટિકની બોટલ લઈને આવ્યા હતા. આ બોટલમાં જે પીણું હતું તે પીધેલું હતું. તે બાદ તેમણે બાજુમાં બેઠેલા રવિન્દ્રભાઈને આપ્યું હતું. તેમણે પણ તે પીણું પીધું હતું. જે બાદ ત્યાં પાણીપુરીનું કામ કરતા યોગેશભાઈ કુશવાહ આવ્યા હતા. તેમને પણ આ પીણું પીધું હતું. જે બાદ આ સાક્ષી તથા અન્યને પણ આ લોકોએ પીણું પીવા માટે પૂછ્યું હતું કે તમારે આ સોડા પીવી છે? તો તેમણે ના પાડી હતી.

સાક્ષી વરૂણ પરમારે વધુમાં જણાવ્યા પ્રમાણે, રવિન્દ્ર રાઠોડને આ પીધાની પાંચ જ મિનિટમાં સારું ન લાગતા ત્યાં બેસી ગયા હતા. તેમને વોમિટ જેવું પણ થતું હતું અને તે ત્યાં બેભાન થઈ ગયા હતા. જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય બે વ્યક્તિઓને પણ આવી જ તકલીફ થતા તેમને પણ તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. જે બાદ આ ત્રણેયના મોત નીપજ્યાં હતા.

પીણું પીધાની પાંચ મિનિટમાં થઇ અસર
એસપી, રાજેશ ગઢિયાએ એ પણ જણાવ્યું છે કે, આમાં પીણું પીધા બાદ પાંચ જ મિનિટમાં તેની ઘાતકી અસર થઈ છે તે અંગેની એફએસએલની ટીમ હેઠળ તપાસ થઈ રહી છે. પરિવારજનોનું કહેવું છે કે, આમાંથી બે લોકોને દારૂ પીવાની ટેવ હતી પરંતુ એક વ્યક્તિને ક્યારેક ક્યારેક પીવાની ટેવ હતી. આ ત્રણેવે જીરા સોડાની અંદરનું પીણું પીધું છે. હવે એમાં અંદર શું હતું તે અમે મુખ્ય તપાસ કરી રહ્યા છીએ. આ મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલના રિપોર્ટ આવી જાય પછી જ આમાં કાંઈ ચોક્કસ અમે કહી શકીશું.તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, બ્લડ રિપોર્ટમાં એવું પણ આવ્યું હતું કે મૃતકોનું લોહી ગંઠાઈ ગયું હતું. એટલે આ પીણામાં કોઈક ઝેરી તત્વ તો હતું જેનાથી આટલી ઝડપી અસર થઈ શકે, હાલ આ અંગેની તપાસ ચાલી રહી છે.