નકલીના ભરડામાં ગુજરાત…નડિયાદમાંથી ઝડપાયો 3100 કિલો નકલી ઘીનો જથ્થો, જાણો વિગતે

Nadiad Fake Ghee News: નડિયાદ ખાતે ઘીના ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડા પાડ્યા છે. ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ (Nadiad Fake Ghee News) નામની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. નડિયાદ ડાકોર રોડ પર સલુણ તળપદ ગામની હદમાં આવેલી શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડામાં સ્થળ પરથી 3 નમૂના લઈ આશરે રૂપિયા 8.75 લાખનો 3,100 કિલોગ્રામથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

8.75 લાખનો 3100 કિગ્રાથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
શ્રી કલ્યાણી બ્રાન્ડ ઘીમાં ઉમેરવા માટે બટર ઓઈલ તેમજ ઘીની ફલેવરની ભેળસેળની શંકા જતા તપાસ કરવામાં આવી છે. શ્રી કલ્યાણી બ્રાન્ડ 15 કિલોગ્રામના ડબ્બામાંથી ઘી, ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતું બટર ઓઈલ અને ઘીની ફલેવરનો પણ નમુનો લેવામાં આવ્યો છે.

નકલી ઘીની ફેક્ટરીના માલિક દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીને હાજર રાખીને સ્થળ પર સમગ્ર તપાસ કરવામાં આવી છે અને અંદાજે 1500 કિલો જથ્થો (કિંમત: રૂ. 5.25 લાખ), બટર ઓઈલનો 1600 કિલો જથ્થો (કિંમત: રૂ. 3.5 લાખ) અને ઘીની ફ્લેવરનો 1 લીટર જથ્થો (કિંમત: રૂ. 3600) એમ કૂલ 3,100 કિલો જથ્થો, જેની અંદાજીત કિંમત આશરે રૂ.8.75 લાખ જેટલી થવા જાય છે.

3 નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં સ્થળ પરથી આ તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ તમામ 3 નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને પૃથકકરણ અહેવાલ બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે,

શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ પેઢીનું FSSAIનું લાઈસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ભેળસેળિયા તત્વોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે.