સુરતમાં બાઈક સ્લીપ થતાં 32 વર્ષીય યુવકનું મોત, 2 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયાં ગુમાવી

Surat Accident: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સાયણથી વેલંજા જતા રોડ પર એક વધુ કરુણ અકસ્માત સર્જાયો છે. દેલાડ ગામની મણિપુષ્પક સોસાયટીમાં (Surat Accident) રહેતા 32 વર્ષીય તૃષાર રમેશભાઈ પાટીલનું બાઈક અકસ્માતમાં મોત નિપજ્યું છે.

એક યુવકનું ઘટનાસ્થળ પર કમકમાટીભર્યું મોત
તૃષાર પાટીલ પોતાની હોન્ડા યુનિકોન બાઈક (નંબર GJ-05 TL-7111) લઈને નાસ્તો કરવા વેલંજા ગામ તરફ જઈ રહ્યા હતા. વેલંજા ગામની નહેર કોલોની નજીક તેમનું બાઈક સ્લિપ થયું. બાઈક રોડની બાજુમાં આવેલા ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું. આ અકસ્માતમાં તૃષાર પાટીલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું.

2 વર્ષની દીકરી પિતાવિહોણી બની
સાયણથી વેલંજા તરફ જતો આ રોડ અવારનવાર જીવલેણ અકસ્માતનું કારણ બની રહ્યો છે. મૃતક તૃષાર પાટીલ પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતા. તેઓ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

તેમના મૃત્યુથી પરિવાર નિરાધાર બન્યો છે. તેમની બે વર્ષની માસૂમ દીકરી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકી છે. આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.