કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓ કાળને ભેટ્યાં: લીમખેડા હાઇવે પર ટ્રક સાથે ટ્રાવેલર અથડાતાં 4નાં મોત

Limkheda Highway Accident: હાલ મહાકુંભમાં સ્નાન કરવા માટે દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. વાહનોની ભારે ભીડના લીધે દરરોજ અકસ્માતના (Limkheda Highway Accident) સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે લીમખેડાના પાલ્લી ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેમાં 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા, જ્યારે 8 લોકોને ઇજા પહોંચી છે. આ તમામ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી પરત ફરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

4 શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે વધુ એકવાર શ્રદ્ધાળુઓની કાર અકસ્માતનો ભોગ બની છે. પ્રયાગરાજના કુંભ મેળામાં સ્નાન કરીને પરત ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની કાર રસ્તા પર સાઇડમાં ઉભેલી ટ્રક સાથે ટકરાતાં 4 શ્રદ્ધાળુઓ મોતે ભેટ્યા હતા, મૃતક શ્રદ્ધાળુઓ ધોળકા અને અંકલેશ્વરના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 8 શ્રદ્ધાળુને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.