ગુજરાતમાં એક જ દિવસમાં એકસાથે 4 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભળાટ; જાણો કારણ

Gujarat Policeman Suspended: રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા આજે બુધવારે અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ (Gujarat Policeman Suspended) કરવાનો આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે. ચારેય પોલીસકર્મીઓએ પોતાની ફરજ દરમિયાન ગેરકાયદે વિદેશ પ્રવાસ કર્યા હતા.

Gujarat DGP સહાયે 4 ને કર્યા સસ્પેન્ડ
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે અમદાવાદના 13 પોલીસ કર્મચારીઓની જિલ્લા બદલી બાદ વધુ એક આકરો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર પોલીસમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રભુત્વ ધરાવતા પોલીસ કર્મચારીઓની જિલ્લા બદલી થતાં ત્રણ કર્મચારીઓએ વિકાસ સહાય સામે બાંયો ચઢાવી ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. જિલ્લા બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓની તપાસ ડીજીપી સહાયે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી હતી. આ તપાસમાં બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓ પૈકી 4 જણાની મોટી પોલ પકડાઈ ગઈ. જેના પગલે DGP Vikas Sahay એ હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કૉ. હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર) ને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

પોલીસ વિભાગની મંજૂરી મેળવ્યા વિના વિદેશ પ્રવાસ કર્યો
ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી બાબતો સામે આવતા વિકાસ સહાય દ્વારા ચારેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા 4 કથિત વહીવટદાર/પોલીસ કર્મચારીઓએ તેમની સરકારી ફરજ દરમિયાન અનેક વિદેશ પ્રવાસ કર્યા છે. નિયમાનુસાર પાસપોર્ટ મેળવ્યા બાદ જ્યારે પણ સરકારી કર્મચારી/અધિકારીએ વિદેશ પ્રવાસ કરવાનો હોય તો સંલગ્ન વિભાગને જાણ કરી મંજૂરી મેળવવાની હોય છે. જો કે, આ ચારેય પોલીસ કર્મચારીઓએ પોલીસ વિભાગની મંજૂરી મેળવ્યા વિના વિદેશ પ્રવાસો કર્યા હોવાનું નિર્લિપ્ત રાયની તપાસમાં સામે આવ્યું છે.

13 પોલીસવાળા પાસે આ માહિતી માંગી હતી
અમદાવાદમાંથી એક સાથે 13 પોલીસ કર્મચારીઓની ગત નવેમ્બરમાં જિલ્લા ટ્રાન્સફર કરાતા મામલો હાઇકોર્ટમાં ગયો હતો. Gujarat DGP વિકાસ સહાયે આ મામલે SMC DIG નિર્લિપ્ત રાયને તપાસ સોંપી જિલ્લા બદલી કરાયેલા તમામ પોલીસ કર્મચારીઓની મિલકતની માહિતી મેળવવા આદેશ કર્યો હતો. Nirlipt Rai એ 13 પોલીસ કર્મચારીઓ પાસે નીચે જણાવ્યાનુસાર માહિતી માગી હતી.

પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોએ વિદેશ પ્રવાસ કર્યો હોય તો તેની સંપૂર્ણ માહિતી.
પોલીસ કર્મચારી અને તેમના માતા-પિતા, પત્ની અને બાળકોના નામે આવેલી રહેણાંક-કોર્મશિયલ સ્થાવર મિલકતોના વેચાણ કરાર.
પોલીસ કર્મચારી અને તેમના માતા-પિતા, પત્ની અને બાળકો માટે વસાવેલા કસરતના સાધનોની માહિતી.
પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યો માટે વસાવેલી મ્યુઝીક સિસ્ટમ, હોમ થિએટર, કૉમ્પ્યુટર, લેપટૉપ, ટેબ્લેટ, મોબાઈલ ફોન અને અન્ય ગેઝેટની ખરીદ તારીખ અને બીલની નકલ.
પોલીસ કર્મચારીના ઘરમાં વસાવાયેલું ફર્નિચર, TV, વોશીંગ મશીન, AC તથા રેફ્રિજરેટર હોય તો તેની સંપૂર્ણ માહિતી.
પોલીસ કર્મચારીના પરિવારના સભ્યોનું સરકારી બેંકમાં PPF Account હોય તો ચાલુ વર્ષનું સ્ટેટમેન્ટ.
પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોના નામે ક્રેડિટ કાર્ડ હોય તો ચાલુ વર્ષનું સ્ટેટમેન્ટ.
પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોના નામે સરકારી-સહકારી કે ખાનગી બેંકમાં લૉકર હોય તો તેની માહિતી.
પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોના નામે ખરીદવામાં આવેલા સોના-ચાંદી સહિતના દાગીનાના બિલો.
પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોનો મેડીક્લેમ અને કોઈ કલબની મેમ્બરશિપ હોય તો તેની માહિતી.