કાલિમપોંગથી ગંગટોક જઈ રહેલી બસ ખીણમાં પડી જતાં 6 લોકોને ભરખી ગયો કાળ, 15 ઘાયલ

Kalimpong Bus Accident: પશ્ચિમ બંગાળના કાલિમપોંગમાં એક મોટી બસ દુર્ઘટના થઈ, જેમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થઈ ચુક્યા છે. જયારે 15ની હાલત ગંભીર છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સિલિગુડીથી ગંગટોક જઈ રહેલી એક બસને કાલિમપોંગ જિલ્લાના અંધેરી (Kalimpong Bus Accident) પાસે ખીણમાં પડી ગઈ, આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલોની સારવાર ચાલી રહી છે. કાલિમપોંગ પોલીસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ NH-10 પરથી લપસીને લગભગ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી. આ ખીણ તિસ્તા નદીના કિનારે છે.

6 લોકોના થયા મોત
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત NH 10 પર બપોરે 3 વાગ્યે થયો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ કરી કે ઘટનાસ્થળેથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા.

જ્યારે બે લોકો હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. ઇજાગ્રસ્તોને રંગપો અને સિંગતમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને કેટલાકને વધુ સારવાર માટે સિક્કિમની અન્ય હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.

ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા
સિક્કિમ અને કાલિમપોંગની ઇમરજન્સી ટીમો અને સ્થાનિક પોલીસે બચી ગયેલા લોકોને મદદ કરવા અને ઘટના બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઝડપી બચાવ કામગીરી હાથ ધરી. અકસ્માત સમયે હાજર લોકોએ જણાવ્યું કે બસ રસ્તાના એક સાંકડા અને વળાંકવાળા ભાગમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો. સ્થાનિક અધિકારીઓ અને રાહદારીઓની સમયસર પ્રતિક્રિયાથી ઘાયલોને બહાર કાઢવામાં મદદ મળી.

પોલીસે કરી કાર્યવાહી
અકસ્માત અંગે લાવા પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “સ્થિતિ ગંભીર છે અને અમારી ટીમો ઘાયલોને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.” તેમણે જણાવ્યું કે બસ મુસાફરોને લઈને ગંગટોક જઈ રહી હતી. અકસ્માતનું સાચું કારણ હજુ જાણી શકાયું નથી અને તપાસ ચાલી રહી છે. અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે બસ સલામતી ધોરણોનું પાલન કરતી હતી કે નહીં અને સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.