ગુજરાત(Gujarat): અરવલ્લી(Aravalli) જિલ્લાના માલપુર(Malpur) પાસે એક કાર ચાલકે અંબાજી (Ambaji) જતા પદયાત્રીઓને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. આ ગોઝારા અકસ્માત(Accident)માં 7 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં 9 પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને માલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પંચમહાલ(Panchmahal)ના કાલોલ તાલુકાના અલાલી ગામના આ પદયાત્રીઓ પગપાળા અંબાજી જઈ રહ્યા હતા અને આ સમય દરમિયાન વહેલી સવારના રોજ માલપુર પાસે એક કાર ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો અને આ અકસ્માતમાં એક સ્થાનિક વ્યક્તિએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માલપુરના કૃષ્ણપુરા નજીક શામળાજી-ગોધરા સ્ટેટ હાઈવે પરથી પદાયાત્રીઓ અંબાજી જવા માટે પગપાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલમાં તેની સ્થિતી નિયંત્રીત હોવાનુ તબીબી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ:
હાલમાં તો આ અકસ્માતને લઈને માલપુર પોલીસ અને મોડાસા DySP નિસર્ગ પટેલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. હાલમાં તો કાર ચાલક સહિતની તમામ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે, અને આ અકસ્માત કેવી રીતે બન્યો એ માટેની આગળની તપાસ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ઘટના અંગે FSL અને વાહન વ્યવહાર નિરીક્ષક દ્વારા પણ ઘટના અભિપ્રાય મેળવીને ઘટના અંગે આરોપી કાર ચાલક સામે તપાસ હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રીએ કર્યું સહાયનું એલાન:
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી છે અને આ માટે તેઓ દ્વારા સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. તમામ મૃતકોને 4 લાખ રુપિયા રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે, તેમજ ઘાયલોને 50 હજાર રુપિયાની સહાય કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આ અંગે સંવેદના વ્યક્ત કરતા પરિવારજનોને સહાય અંગેની માહિતી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.