ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ! જાણો કયો મોર કળા કરી ગયો

ગુજરાતમાં(Gujarat) અંદાજે 6000 કરોડ રૂપિયાનું કોલસા(Coal) કૌભાંડ(Scam) સામે આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, છેલ્લા 14 વર્ષમાં રાજ્યના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને(Industries) કોલસો આપવાને બદલે ગુજરાત સરકારની અનેક એજન્સીઓએ અન્ય રાજ્યોના ઉદ્યોગોને ઊંચા ભાવે વેચીને રૂ.5 હજારથી 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યું છે.

ખરેખર, કોલ ઈન્ડિયાની વિવિધ કોલસાની ખાણોમાંથી કાઢવામાં આવેલો કોલસો જેના માટે કાઢવામાં આવ્યો હતો તે ઉદ્યોગો સુધી પહોંચ્યો ન હતો. જયારે આ વિશે સરકારી વિભાગના અધિકારીઓ, કોલસા પરિવહન વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકારીઓ પાસેથી કોલસો ગાયબ થવાની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે બધાએ ‘નો કોમેન્ટ’ કહીને મૌન સેવ્યું હતું.

મળેલા દસ્તાવેજો મુજબ અત્યાર સુધીમાં કોલ ઈન્ડિયાની ખાણોમાંથી ગુજરાતના વેપારીઓ અને નાના ઉદ્યોગોના નામ પર 60 લાખ ટન કોલસો મોકલવામાં આવ્યો છે. તેની સરેરાશ કિંમત પ્રતિ ટન રૂ. 3,000 તેથી 60 લાખ ટન કોલસાની કિંમત રૂ. 1,800 કરોડ છે. મળતી માહિતી અનુસાર આ કોલસાને વેપારીઓ અને ઉદ્યોગોને વેચવાને બદલે અન્ય રાજ્યોમાં રૂ. 8 થી 10 હજાર પ્રતિ ટનના ભાવે વેચીને તેનું કાળાબજાર કરવામાં આવ્યું છે.

મળેલી માહિતી મુજબ તેમાં કેટલીક બનાવટી અથવા ગુમ એજન્સીઓ અને ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓની મિલીભગત છે. જ્યારે કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલયના સચિવ અનિલ જૈન સાથે આ અંગે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે કોલસો રાજ્ય સરકાર (SNA) દ્વારા નિયુક્ત કરાયેલી એજન્સીઓને આપવામાં આવે છે. તે પછી અમારો રોલ પૂરો થાય છે.

વાસ્તવમાં, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2007માં દેશભરના નાના ઉદ્યોગોને પરવડે તેવા દરે સારી ગુણવત્તાનો કોલસો પૂરો પાડવાની નીતિ ઘડવામાં આવી હતી. તેનો અમલ 2008માં થયો હતો. આ નીતિ હેઠળ, ગુજરાતના નાના ઉદ્યોગો માટે કોલ ઈન્ડિયાના વેસ્ટ કોલ ફિલ્ડ અને સાઉથ-ઈસ્ટ કોલ ફિલ્ડમાંથી દર મહિને કોલસો કાઢીને મોકલવામાં આવે છે. આ પહેલા પણ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા કોલ ઈન્ડિયાને જરૂરી કોલસાના જથ્થા સહિતની વિગતોની યાદી મોકલવામાં આવતી હતી.

ગુજરાત સરકાર વતી કોલ ઈન્ડિયાને કોલસાના લાભાર્થી ઉદ્યોગોની યાદી, કોલસાનો જરૂરી જથ્થો, કઈ એજન્સી પાસેથી કોલસો મોકલવામાં આવશે સહિતની તમામ માહિતી મોકલવાની હોય છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કોલ ઈન્ડિયાને મોકલવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ખોટી નીકળી છે. તેની જાણ આ વાત પરથી થઈ હતી. ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી એજન્સી ‘ગુજરાત કોલ કોક ટ્રેડ એસોસિએશન’ના ડિરેક્ટર અલી હસનૈન દોસાનીએ જણાવ્યું હતું કે અમે અમારો મોટાભાગનો કોલસો દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગોને સપ્લાય કરીએ છીએ. તેથી દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના જીતેન્દ્ર વખારિયાનો સંપર્ક કરાયો હતો, પરંતુ વખારિયાએ કહ્યું હતું કે, ‘હું 45 વર્ષથી આ બિઝનેસમાં છું. આવી યોજના હેઠળ ક્યારેય કોઈ પ્રકારનો કોલસો મળ્યો નથી.’

શિહોરના ઉદ્યોગમાં જય જગદીશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝને લાભાર્થી તરીકે દર્શાવવામાં આવે છે. ઈન્ડસ્ટ્રીઝના જગદીશ ચૌહાણે એક રીપોર્ટમાં કહ્યું, ‘મને એ પણ ખબર નથી કે અમને સરકાર તરફથી કોઈ કોલસો મળે છે. હજુ સુધી આ અંગે અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી. અમે સ્થાનિક બજારમાંથી કોલસો ખરીદીએ છીએ.’ આ સિવાય, A&F ડિહાઇડ્રેટેડ ફૂડ્સના શાનુ બદામીએ કહ્યું – ‘અમને ક્યારેય કોલસાનો આવો કોઈ જથ્થો મળ્યો નથી. અમને જરૂરી મોટાભાગનો કોલસો અમે GMDC ખાણોમાંથી મેળવીએ છીએ અથવા અમે આયાતી કોલસો ખરીદીએ છીએ.

ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી એજન્સીઓની તપાસ કરી તો મોટી ગોટાળા સામે આવ્યા છે. એજન્સીઓએ આપેલા સરનામામાં તે નામની કોઈ સંસ્થા નથી. નોંધાયેલ ઓફિસનું સરનામું પણ ખોટું છે.

કાઠિયાવાડ કોલ કોક કન્ઝ્યુમર એન્ડ ટ્રેડર્સ એસોસિએશન:
આ એજન્સીએ સીજી રોડ સ્થિત ખાનગી જગ્યામાં રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું આપ્યું છે પરંતુ આપેલા સરનામામાં હવે CAની ઓફિસ છે, જે 4 વર્ષથી ચાલી રહી છે. આ કોમ્પ્લેક્સ બનતા પહેલા અહીં મેગેઝિન ઓફિસ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે કોલસાના વેપાર સાથે સંકળાયેલી કોઈપણ સંસ્થા, પેઢી કે કંપનીની ઓફિસ માત્ર આ ઓફિસમાં જ નથી પરંતુ સમગ્ર પરિસરમાં ક્યાંય નથી.

સૌરાષ્ટ્ર બ્રિકવેટિંગઃ
સીજી રોડ પર એજન્સીનું સરનામું દર્શાવાયું છે, પરંતુ ત્યાં તપાસ કરતાં ટ્રાવેલ એજન્સીની ઓફિસ જોવા મળે છે. કોલ ઈન્ડિયામાં ટોચના હોદ્દા પર રહેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ઘણો ભ્રષ્ટાચાર થયો છે. ગુજરાત સરકારે વાસ્તવમાં કોલ ઈન્ડિયાને સંપૂર્ણ માહિતી આપવાની હોય છે, પરંતુ રાજ્ય સરકાર આ મામલે ટાળી રહી છે. વિગતો હોવા છતાં સચોટ માહિતી, ગોળગોળ માહિતી આપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર એજન્સીઓ દર વર્ષે કોલ ઈન્ડિયામાંથી ગુજરાતના લાભાર્થી ઉદ્યોગોના નામે કોલસો ખરીદે છે, પરંતુ અહીં એજન્સીઓ લાભાર્થીઓને આપવાને બદલે ખુલ્લા બજારમાં ઊંચા ભાવે કોલસો વેચીને અબજો રૂપિયાની કમાણી કરે છે. શક્ય છે કે એજન્સીઓએ આ ગેમ માટે નકલી બિલ બનાવ્યા હોય અને ઇન્કમટેક્સ, સેલ્સ ટેક્સ અને GSTની પણ ચોરી કરી હોય.

કોલ ઈન્ડિયાની વેબસાઈટએ કોલસાના વિતરણ અને પુરવઠામાં પારદર્શિતા માટે સચોટ અને પ્રમાણિત માહિતી પ્રદાન કરવાની હોય છે. મળેલી માહિતી અનુસાર આવા કોલસાને અન્ય રાજ્યોમાં લાવવાનું કામ સંબંધિત રાજ્ય દ્વારા તેના પોતાના વિભાગને સોંપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં વર્ષોથી કેટલીક પસંદગીની એજન્સીઓની જ નિમણૂક કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *