હીરા મંદીની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર: સુરતમાં શાળામાંથી 603 વિદ્યાર્થીએ છોડ્યો અભ્યાસ

Surat News: ગુજરાતનું ડાયમન્ડ હબ ગણાતા સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો માર ઝીલી રહ્યો છે. જેના પગલે હીરાના કારખાનામાં કામ કરતાં રત્નકલાકારો (Surat News) પણ બેકાર બન્યા છે. ત્યારે હવે આની સીધી અસર રત્નકલાકારોના બાળકોના અભ્યાસ પર પડી રહી છે. જેમાં મળતી માહિતી મુજબ સરકારી શાળામાં ભણતા 603 વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે.

દિવાળી વેકેશન બાદ 603 વિદ્યાર્થીએ સ્કૂલ લિવિંગ લીધા
આ અંગે સુરત શહેર શિક્ષણ સમિતિના પ્રમુખે જણાવ્યું છે કે, દિવાળી વેકેશન બાદ 603 વિદ્યાર્થીએ સ્કૂલ લિવિંગ લઈ લીધા છે. જેમાં સૌથી વધુ વરાછા-કતારગામની શાળામાં ડ્રોપ આઉટ વધ્યુ છે. જોકે, મફત શિક્ષણ આપતી શાળામાંથી પણ વિદ્યાર્થીઓએ શાળા છોડતા અનેક સવાલ ઉદભવ્યા છે. જ્યારે શિક્ષણ સમિતિએ તપાસ કરતા હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીનું કારણ સામે આવ્યુ છે.

મંદીના લીધે રત્ન કલાકારોના પગારમાં પણ ઘટાડો નોંધાયો
શિક્ષણ સમિતિના પ્રમુખે આ બાબતને ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે સરકાર અને શિક્ષણ વિભાગને આ બાબતે જાણ કરાશે. જો કે સમગ્ર મામલે ડાયમંડ યુનિયનના ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, હાલ હીરા ઉદ્યોગના છેલ્લા 50 વર્ષની સૌથી ભયાનક મંદી છે. તેમજ દિવાળી બાદ મંદીના લીધે રત્ન કલાકારોના પગારમાં પણ ઘટાડો નોંધાયો છે. જેના લીધે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. મંદીના મારને લીધે રત્નકલાકારો તેમના બાળકોને પણ ભણાવી શકે તેમ નથી.

સત્વરે મદદ નહીં મળે તો હાલત કફોડી બનશે
હાલ મંદીની વચ્ચે અનેક રત્નકલાકારોએ વતનની વાટ પકડી છે અને એટલે જ તેઓએ શાળાઓમાંથી બાળકોના સ્કૂલ લિવિંગ લઈ લીધા છે. રત્નકલાકારોનું કહેવું છે કે જો સત્વરે મદદ નહીં મળે તો તેમને અને પરિવારજનોની સ્થિતિ કફોડી બનશે. સમગ્ર મામલે રાજ્યસભા સાંસદ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ ગોવિંદ ધોળકિયાનું પણ નિવેદન આવ્યું છે. તેમનું કહેવું છે કે હીરા ઉદ્યોગ અનેકવાર મંદીમાં ફસાયો છે અને તેમાંથી બહાર આવ્યો છે. જો કે આ વખતની મંદીને પણ ગંભીર ગણાવી છે. ઉદ્યોગપતિઓ તો મંદીમાંથી બહાર નીકળવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.

આ ટોપ 10 સ્કૂલોમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓએ એલ.સી લીધી
1.સ્કૂલ નંબર 301 માંથી 36, 2.સ્કૂલ નંબર 300 માંથી 34, 3.સ્કૂલ નંબર 90 માંથી 32, 4.સ્કૂલ નંબર 143 માંથી 30, 5.સ્કૂલ નંબર 96 માંથી 28, 6.સ્કૂલ, નંબર 136 માંથી 27, 7.સ્કૂલ નંબર 379 માંથી 27, 8.સ્કૂલ નંબર 86 માંથી 20, 9.સ્કૂલ નંબર 122 માંથી 20, 10.સ્કૂલ નંબર 380 માંથી 19