Delhi Swaminarayan Akshardham: નવી દિલ્હીમાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં ભારતનો 78મો સ્વતંત્રતા દિવસ દેશભક્તિ સાથે મનાવવામાં આવ્યો હતો. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની(Delhi Swaminarayan Akshardham) ઉપસ્થિતિમાં, ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ રાષ્ટ્રના આ આઝાદીના ઉત્સવમાં ભાગ લીધો. આ પ્રસંગે સમગ્ર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસર રાષ્ટ્રભક્તિમય બની ગયું અને ભારત માતાના જયના નારા સાથે ગુંજી ઊઠ્યું.
મંદિર પરિસરમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો
સવારે 6.30 વાગ્યે કાર્યક્રમની શરૂઆત પ્રભુસ્મરણ અને પ્રાર્થના સાથે થઈ. ત્યારબાદ BAPSના બાળ અને યુવા મંડળે સાંસ્કૃતિક અને રાષ્ટ્રભક્તિનાં કીર્તનો ગાઈને અક્ષરધામ પરિસરના વાતાવરણને ઓજસ્વી બનાવી દીધું. આજની વિશેષ સ્વતંત્રતા દિવસની પરેડમાં સુરક્ષા વિભાગના સ્વયંસેવકો અને પરિસરમાં ફરજ પર રહેલા પોલીસકર્મીઓએ પણ ભાગ લીધો. બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે મંદિર પરિસરમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને દેશની આઝાદી માટે પોતાનો બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે ધ્વજને સલામી આપવામાં આવી. 92 વર્ષની વયે પણ મહંતસ્વામી મહારાજે રાષ્ટ્રગાન કર્યા બાદ તિરંગાને સલામી આપીને સમગ્ર રાષ્ટ્રને નાગરિક કર્તવ્યનો બોધ આપ્યો.
આગળ BAPSના વરિષ્ઠ સંત વિવેકસાગરદાસ સ્વામીએ તેમના પ્રવચનમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કહ્યું, “ ભારત દેશ ગૌરવશાળી દેશ હતો. આજે આપણી ફરજ છે કે દેશની ગૌરવશાળી વિરાસતને સાચવીએ. જીવનમાં સદાચાર લાવીએ એ જ સાચી સ્વતંત્રતા છે.”
મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપ્યું
ત્યારબાદ, બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં કહ્યું, “આજના દિવસે પ્રાર્થના કરીએ કે ભારતનો દરેક ક્ષેત્રમાં ખૂબ વિકાસ થાય. દેશના સર્વે પ્રશ્નોનું વહેલું નિરાકરણ થાય. સહુ દેશવાસી સુખી થાય. દેશની આઝાદી માટે ગુરુ યોગીજી મહારાજ રોજ ૨૫ માળા ફેરવતા. દેશ મારા માટે શું કરશે એવું નહિ, પણ હું દેશ માટે શું કરી શકું એવી ભાવના હશે તો ભારત દેશ જરૂર આગળ આવશે.” આશીર્વચન બાદ, સૌ સંતો અને ભક્તોએ ભારતની શાંતિ અને સમૃદ્ધિ માટે સામૂહિક પ્રાર્થના કરી.
આજે આ ઐતિહાસિક સ્વતંત્રતા દિવસ જ્યાં ઉજવાયો તે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, નવી દિલ્હી એક મુખ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થળ છે જે ભારતની સમૃદ્ધ વારસો અને આધ્યાત્મિક પરંપરાઓનું કેન્દ્ર છે. આ માત્ર ઉપાસના સ્થળ જ નથી પરંતુ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વૈવિધ્યતાનો ઉત્સવ પણ છે, જે વિશ્વભરમાંથી લાખો મુલાકાતીઓને આકર્ષે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App