વડોદરા (ગુજરાત): વડોદરા (Vadodra) શહેરમાં શનિવારની મોડી રાત્રી (Midnight) થી 2 ઈંચ અતિભારે વરસાદ (Heavy Rain) ખાબકતા શહેરમાં પુન: પાણી ભરાઈ ગયાં હતાં. જેમાંથી કેટલાક વિસ્તારો તો પાણી ગરકાવ થઈ ગયા હતા જયારે પૂર્વ વિસ્તારમાં રવિવારની સાંજ સુધી પાણી ભરાયેલાં જોવા મળ્યાં હતાં. જેને કારણે સ્થાનિક તેમજ રાહદારીઓ હેરાન થઈ ગયાં હતાં.
આની સાથે જ પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને ખોડિયાર નગર, વાઘોડિયા-ડભોઈ રિંગ તથા આજવા રોડ વિસ્તારોનાં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. આમ, 8થી વધારે વિસ્તારોમાં છેલ્લા 48 કલાક સુધીમાં વરસાદી પાણીનો ભરાવો રહ્યો હતો.
શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયેલાં રહ્યાં હોવાથી સ્થાનિક રહીશો જણાવે છે કે, કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી રહી નથી. જેમાં કાંસ અથવા તો ગટરની સાફ-સફાઈ ન થતાં વરસાદી પાણી ભરાઈ રહે છે. આની ઉપરાંત કોર્પોરેશન રોડ બનાવતી વખતે અગાઉથી બનાવેલ રોડ પર જ રિ-કાર્પેટિંગ કરી દે છે.
જેને કારણે રોડ ઊંચા થઈ જાય છે તેમજ સોસાયટીઓ રોડથી નીચે રહે છે. જેને લીધે રોડ પરનું પાણી સોસાયટીમાં ઘૂસી જતું હોય છે. જો કે, સમગ્ર શહેરમાં શનિવારની મોડી રાત્રે વરસાદ ખાબક્યા પછી રવિવારે લાલબાગ બ્રિજના છેડે પાણી ઊતરી જતાં વાહનચાલકોને રાહત અનુભવાઈ હતી.
વરસાદી સિસ્ટમ સક્રિય 3 દિવસ ઝાપટાં પડશે, વિશ્વામિત્રીની સપાટી 10 ફૂટે પહોંચી:
શહેરમાં શનિવારની મોડી રાત્રે 2 ઈંચ વરસાદ ખાબકતા રવિવારે ઝાપટાં પડ્યાં હતાં. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 3 દિવસ શહેરમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. સોમવારનાં રોજ શહેરમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. શહેરમાં રવિવારનાં રોજ મહત્તમ તાપમાનનો પારો 30.2 ડિગ્રી રહ્યો હતો.
જયારે લઘુતમ તાપમાનનો પારો 2.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારમાં 97% તેમજ સાંજનાં સમયે 78% નોંધાયું હતું. શનિવારની મોડી રાત્રે અતિભારે વરસાદ વરસતા રવિવારની સવારમાં વિશ્વામિત્રીની સપાટી 8 ફૂટથી વધીને 10 ફૂટ સુધી પહોંચી ગઈ હતી.
રવિવારની સાંજે 6 વાગ્યામાં વિશ્વામિત્રીની સપાટી 9.50 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. શહેરના ડભોઇ રોડ પર છેલ્લા 2 દિવસથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી તેમજ 2 દિવસમાં એક ડોલ પાણી પણ ઉતર્યું નથી એવો આક્રોશ ખુદ ભાજપનાં જ એક મહિલા આગેવાને ઠાલવતાં ભાજપ મોરચે હોબાળો મચી જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.