મરણચીસોથી ગુંજી ઉઠયો હિંમતનગર હાઈવે: ઈનોવા ટ્રેલરની પાછળ ઘૂસી જતાં 8 લોકોના દર્દનાક મોત

Himmatnagar Accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે બુધવારે સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 8ના મોત થયા છે જ્યારે એક વ્યક્તિની (Himmatnagar Accident) હાલત ગંભીર બતાવાઇ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહો કારમાં ફસાઇ ગયા હતા અને ફાયર બ્રિગેડે કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.

અકસ્માતમાં કારમાં સવાર 8 લોકોના ઘટનાસ્થળે જ મોત
મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. કાર ચાલકને ઊંઘ આવતી હોવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે. હાલ પોલીસ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.

તમામ મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા
પોલીસના જણાવ્યા અનુસાર કારમાં કુલ 8 લોકો હતા અને તેઓ શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. ઘાયલ અને મૃતકોની ઓળખ કર્યા બાદ પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી છે. આ સાથે મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ અકસ્માત સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે. અનુમાન છે કે અકસ્માત સમયે ઝડપ 120 કિમી પ્રતિ કલાકથી વધુ હશે.

વાહનને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
કારણ કે કારનો આગળનો ભાગ પાછળથી ટ્રકમાં ઘૂસી ગયો હતો. આથી પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમતથી કાર કાપી લાશને બહાર કાઢી હતી. સાબરકાંઠાના એસપી વિજય પટેલના જણાવ્યા અનુસાર ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્તને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગઈ હતી. વાહનમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા બાદ તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઘાયલ અને મૃતકોની ઓળખ થઈ ગઈ છે.