ગુજરાતના આ શહેરોમાં થયો સૌથી મોટો નકલી રેમડેસિવિર વેચાયાનો ઘટસ્ફોટ- જાણો વિગતવાર

હાલ ઓલપાડના પિંજરત ગામના ફાર્મ હાઉસમાં બનેલા અને તેલંગણાની કંપનીના માર્કો લગાવેલા નકલી રેમડેસિવર બનાવનારા કૌશલ જૈને જયદેવસિંહ વેલુભા ઝાલાને પણ ઈન્જેક્શન સપ્લાય કર્યા હતા. શનિવારે મોડી રાત્રે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા જયદેવસિંહને ઝડપી પાડવામાં આવ્યો હતો.

કૌશલે બનાવેલા નકલી રેમડેસિવિર સુરત, અમદાવાદ, મોરબી જ નહીં વડોદરા અને મહેસાણામાં પણ સપ્લાય થયાનો ઘટસ્ફોટ થયો છે. જયદેવ પાસેથી પોલીસે 38400ની કિંમતના 8 નકલી રેમડેસિવિર કબજે લીધા હતા. અસલી છે કે નકલી તે જાણવા માટે પોલીસ દ્વારા ખોરાક અને ઔષધ નિયમન કચેરીના નિયામક સંદિપ પટેલને સ્થળ પર બોલાવી ઓરિજિનલ ઈન્જેક્શન સાથે સરખામણી કરાવવામાં આવી હતી.

આ દરમિયાન જયદેવસિંહ પાસેથી મળેલા ઈન્જેક્શન નકલી હોવાનું બહાર આવ્યું છે. મુખ્ય આરોપી કૌશલ જયદેવસિંહને ઇન્જેક્શન રૂપિયા 3500ના ભાવે આપતો અને જયદેવસિંહ 4500માં વેચતો હતો. જાણવા મળ્યું છે કે, સુરતમાં જયદેવસિંહ ઝાલાએ 134 પૈકી 126 નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચ્યા હતા. જયદેવે સુરત સિવાય વડોદરા, અંકલેશ્વર અને મોરબીમાં પણ વેચાણ કર્યાનું સામે આવ્યું છે. હાલમાં આરોપી જયદેવ 10 દિવસના રિમાન્ડ પર છે.

મળતી માહિતી મુજબ, આરોપી જયદેવસિંહ ઝાલા મુંબઈમાં રહેતો હતો. પછી તે મુંબઈથી વડોદરા રહેવા ગયો હતો. વડોદરામાં તે ગોલ્ડ લોનમાં એજન્ટ તરીકે કામ કરતો હતો. છેલ્લા દોઢ વર્ષથી તે વરાછામાં મીના ગોલ્ડ લોનની ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરી રહ્યો હતો. જાણવા મળ્યું છે કે, તેના ભાઈઓ પણ ગોલ્ડ લોનનું કામ કરતા હોવાથી તે પણ ગોલ્ડ લોનમાં લાગી ગયો હતો. સુરતમાં અડાજણમાં તે ભાડેથી રહેતો હતો. ડીસીબીની ટીમે તેના ઘરે અને વરાછામાં આવેલી ઓફિસે તપાસ કરી હતી. જેમાં લોન લેનાર લોકોના ડોક્યુમેન્ટ સિવાય બાકી કશું મળ્યું ન હતું.

સૂત્રધાર કૌશલ વ્હોરાએ એક વર્ષ પહેલા ગોલ્ડ લોન લીધી હતી. તે વખતે તેની જયદેવસિંહ સાથે મિત્રતા થઈ હતી. હાલમાં જયદેવને તેના મિત્ર માટે રેમડેસિવિરની જરૂર પડતા કૌશલનો સંપર્ક કર્યો પછી કૌશલે તેને કમાવવા નકલી ઇન્જેક્શન આપ્યા હતા. જયદેવસિંહ દર્દીના સગા પાસેથી ઈન્જેક્શન પર 1 હજાર કમિશન લેતો હતો.

આ ઉપરાંત વધુમાં જાણવા મળ્યું છે કે, બેંકમાંથી જેણે ગોલ્ડ લોન લીધી હોય તેવા લોકોને આરોપી જયદેવસિંહ ગોલ્ડ છોડાવી આપતો હતો. પછી પોતે ગોલ્ડ લોન આપતો હતો. જેમાં લોનધારકને લોનની રકમ ઓછી કરી ગોલ્ડ જે બેંકમાંથી છોડાવ્યું હોય તે પોતાની પાસે રાખી લેતો હતો. તેના બદલામાં આરોપી ઝાલા ઊચું વ્યાજ પણ વસૂલતો હતો.

અડાજણ ખાતે જયદેવ સિંહ પાસેથી પોલીસ દ્વારા 138 વાયલ રિકવર કરવામાં આવી હતી. જ્યારે 8 ઈન્જેક્શન પણ તેના ઘરમાંથી મળી આવ્યા હતા. આ નકલી ઈન્જેક્શનના બોક્સ પર તેલંગણાની કંપનીનો માર્કો લગાવવામાં આવ્યો હતો. જેથી ક્રાઈમ બ્રાંચ દ્વારા આ કંપનીના સુરત ખાતેના અધિકારીને બોલાવી ઈન્જેક્શનની ખરાઈ કરવામાં આવી હતી. જેમાં નકલી સ્પષ્ટ થતા જયદેવસિંહની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *