ખાદ્ય તેલના ભાવો રેકોર્ડ બ્રેક સપાટીએ પહોચ્યા છે. ત્યારે આવું થવાનું કારણ આપતા ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ અન્ડ સિડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહ જણાવે છે કે, કોરોનાના સવા વર્ષમાં ભારતમાં અને વિશેષતઃ ગુજરાતમાં લોકડાઉન અને નિયંત્રણને કારણે ખાદ્યતેલનો વપરાશ ઘટયો છે. આ સ્થિતિને લાભ લઈને ચાઈનાએ પહેલા ગુજરાતમાંથી સિંગદાણાનો મોટાપાયે ઉપાડ કર્યો અને પછી સિંગતેલ ખરીદવાનું શરૂ કરતા સ્થાનિક બજારમાં તેના ભાવ ભડકે બળ્યા છે. સિંગતેલ જ નહિ, આયાતી પામતેલમાં પણ એક જ વર્ષમાં ૪૦ ટકા ભાવ ઊચકાયા છે. જેના કારણે મધ્યમ અને ગરીબ પરીવારોને અસહ્ય મોંધવારીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારતમાં અધિકાંશ પામ ઓઈલ મેલેશિયાથી ઈમ્પોર્ટ થાય છે. વર્ષ ૨૦૨૦ના આરંભે લોકડાઉન પૂર્વે ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધો વણસ્યા હતા. જેથી ભારત સરકારે પામ ઓઈલ પરની ઈમ્પોર્ટ ડયુટી વધારી અને પછી તેમાં આંશિક ઘટાડો કર્યો છે. તદ્ઉપરાંત અત્યાર સુધી પૂર્વ ભારતમાં લેન્ડીંગ થતા આયાતી ઓઈલને પશ્ચિમ ભારતના બંદરો ઉપર લોડ કરવાના નિર્દેર્શોથી એક વર્ષમાં સ્થાનિક બજારમાં પામતેલમાં કિલોએ રૂ.૩૭ વધી ગયા છે. પામ જ નહિ સરસવના તેલનો ભાવ રૂ.૪૪થી વધીને રૂ.૧૧૮ થયો છે. સોયા અને સનફ્લાવરમાં પણ ૫૦ ટકાથી વધુ ભાવ વધ્યો છે. જેમાં સતત બદલાતી દેશની વિદેશનીતી જવાબદાર હોવાનું આયાતકારો, ઉત્પાદકો માની રહ્યા છે.
તમામ ખાદ્યતેલની કિંમતોમાં ૧૧ વર્ષમાં ૨૫૦થી ૩૦૦ ટકા વધારો થયો છે તેમાં છેલ્લા એક જ વર્ષમાં ૫૦થી ૬૦ ટકા વધારાની હિસ્સેદારી છે. લોકડાઉન અને કોરોના નિયંત્રિત વ્યવસ્થામાં ખાદ્યતેલનો વપરાશ ઘટયો છે તો પણ કિંમતોમાં થયેલા વધારાને પાછો વાળવા હવે ભારત સરકારે આયાતકારો, ઉત્પાદકો સાથે બેઠકો શરૂ કરી છે. જો કે, જ્યાં સુધી સરકાર રિફાઈન્ડ પામ ઓઈલ ઉપર ડયુટી નહિ ઘટાડે ત્યાં સુધી સ્થિતિ સુધરે તેમ નથી.
ગુજરાતમાં પણ મગફળીનું બમ્પર ઉત્પાદન હોવા છતાંયે છેલ્લા ત્રણ વર્ષથી તેના તેલના ભાવમાં અસહ્ય વધારો રહ્યો છે. લોકડાઉન વખતે સ્થાનિક વપરાશ ઓછો હતો ત્યારે જેવા ભાવ નીચે ગયા કે તુરંત જ ચાઈનાના વેપારીએએ સૌરાષ્ટ્રમાંથી ઊંચા ભાવે મોટાપાયે સિંગતેલ ખરીદ્યુ તેના કારણે હાલમાં કિંમતો વધી રહ્યાનું રાજકોટના ઉત્પાદકોએ સ્વિકાર્યુ હતુ.
ઈમ્પોર્ટેડ સ્ટીલના નિયમો બદલતાં ડબ્બો મોંધો થશે
”તેલના ભાવ ઘટાડવા હોય તો પહેલા તો સરકાર તાત્કાલિક સટ્ટાબજાર બંધ કરાવે. ૧૭ જુનથી પેકિંગ માટેના ડબ્બાના સ્ટીલમાં પણ BSI સર્ટિફિકેશનના નિયમો બદલાશે એટલે તેની નવી અસર નક્કી છે. હાલમાં બેલ્જિયમ, બ્રાઝિલ અને ચાઈનાથી જે સ્ટીલ આવી રહ્યુ છે તેના બદલે અમારે નવા માનાંકોનું સ્ટિલ ખરીદુ પડશે. જેની પહેલાથી જ અછત છે. એટલે સરવાળો આ બધી જ અસર વપરાશકર્તા ઉપર જશે. માટે સરકારે તેમાં રાહત આપવી જોઈએ”
સમીર શાહ, પ્રમુખ, ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ અન્ડ સિડ્સ એસોસિએશન.
આ ભાવ વધારા બાદ પત્રકાર વિવેક ઓઝા જણાવે છે કે, મલેશિયાના વડાપ્રધાને ફેબ્રુઆરી- 2020મા ભારતમા CAA-NRC સામે આપત્તિ દર્શાવતા ઉપરાછાપરી નિવેદનો કર્યા, આપણા સાહેબે એ દેશમાંથી આવતા પામ ઓઈલ ઉપર પ્રતિબંધ મૂક્યો, પછી પ્રતિબંધ દૂર કર્યો. ડ્યુટી વધારી. બીજાને પાઠ ભણાવવાની રમતમા જ્યાંથી કોરોના ફેલાયો એ એક હિંચકાના ભાઇબંધના આધિપત્યવાળા ચાઇનાએ ગુજરાતમાંથી પહેલા સિંગદાણા ઉપાડ્યા અને પછી ધમધોકાર સિંગતેલ ખરીદ્યુ ! આ બધુ જ આપણે સૌ કોરોના વાઇરસથી પિડાતા હતા ત્યારે થયુ. હમણા એ પીડા ઓછી થઈ છે ત્યારે તેલના ભાવ 11 વર્ષની ટોચે છે અને એક જ વર્ષમા 50%થી વધારે ભાવ વધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.