થોડા દિવસ બાદ એટલે કે, 22 ઓગસ્ટનાં રોજ ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર એટલે કે, રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હાલમાં એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વડોદરા શહેરમાં રક્ષાબંધન પહેલા જ ભાઇને રાખડી બાંધીને ઘરે જવા માટે નીકળેલ મહિલા સેન્ટ્રલ ST ડેપોમાં બસમાં ચઢી રહી હતી.
આ દરમિયાન મુસાફરોની ભીડનો લાભ ઉઠાવીને અજાણી ખીસ્સા કાતરું મહિલાઓ દ્વારા 15,000 રૂપિયા મૂકેલુ પર્સ ચોરી થઈ ગયું હતું. ભાઇએ આપેલ રક્ષા બંધન નિમિત્તેની ભેટની રકમ સહિત રૂપિયા 15,000 ની રોકડ રકમ ચોરી થઈ થતાં નિરાશ થઇ ગયેલ મહિલાએ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટના અંગે જાણીએ તો, ખેડા જિલ્લામાં આવેલ કપડવંજની ગોકુળધામ સોસાયટીમાં રહેતા સોનલબહેન ગીરીશકુમાર સેવકનાં ઘરે 14 ઓગસ્ટે સોનલબહેન પોતાના દીકરા ઋતુલને લઇ વડોદરા ખોડિયારનગરમાં રહેતા ભાઇને આગામી રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા માટે આવ્યા હતા.
3 દિવસ ભાઇના ઘરે રોકાઇને સોનલબહેન વહેલી સવારની 6 વાગ્યાની બસમાં કપડવંજ જવા માટે સેન્ટ્રલ ST ડેપો પર આવ્યા હતા. સોનલબહેનને તેઓની બહેન ફાલ્ગુની તથા પાડોશી રોનકભાઇ વોરા મૂકવા માટે બસ પર ગયા હતા. સોનલબહેન સેવક તેમજ તેમના પુત્ર ઋતુલને ST ડેપોના પ્લેટ ફોર્મ નં-10 પર મૂકીને તેઓની બહેન તથા રોનક વોરા ડેપોમાંથી નીકળી ગયા હતા.
આ દરમિયાન વડોદરા-નાથદ્વારાની બસ આવી જતા સોનલબહેન દીકરાને લઇ બસમાં ચઢી રહ્યા હતા એ દરમિયાન મુસાફરોની ભીડ હોવાને કારણે અજાણી મહિલાઓ સોનલબહેને ખભા ઉપર લટકાવેલુ પર્સમાંથી 15,000 રૂપિયા ચોરીને ભાગી ગઇ હતી. સોનલબહેનને પોતાનું ખભા ઉપર લટકાવેલ પર્સ કોઇ ખેંચી રહ્યું હોવાની આશંકા જતાં પર્સ આગળ લઇ લીધું હતું.
જો કે, સોનલબહેન પર્સ આગળ લે એના પહેલાં જ ખિસ્સા કાતરું ગેંગ પર્સમાંથી 15,000 રૂપિયા ભરેલુ પર્સ લઇને ફરાર થઈ ગઇ હતી. એમણે તરત જ તેણે પોતાની બહેનને ફોન કરીને ડેપો પરત બોલાવી લીધી હતી. બીજી તરફ સોનલબહેન સેવકે ચોરી થયેલા પર્સ અંગે તપાસ કરતા મળી આવ્યું ન હતું. આ દરમિયાન સોનલબહેન સેવકે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સોનલબહેન સેવકે ફરિયાદમાં તેઓની પાછળ બસમાં ચઢી રહેલ 4 અજાણી મહિલાઓમાંથી કોઇએ પર્સ ચોરી લીધું હોવાની આશંકા વ્યક્ત કરી છે. સયાજીગંજ પોલીસ દ્વારા ફરિયાદના આધારે અજાણી 4 મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.