રાજકોટ(ગુજરાત): ડોકટરો આપણને રોજીંદા આહારમાં દૂધ પીવાની સલાહ આપતા હોય છે. કારણ કે, દૂધ સંપૂર્ણ ખોરાક છે. પ્રસૂતાઓ અને બાળકોને પણ રોજિંદા આહારમાં દૂધ પીવાનો આગ્રહ કરવામાં આવે છે. આ દૂધ ખરેખર સ્વાસ્થ્યપ્રદ છે એની શું ગેરંટી? લેભાગુઓ આમાં પણ ફાયદો ઉઠાવવાનું ચૂકવાના નથી, તેથી હાલમાં રાજકોટમાં ઠલવાતા છૂટક દૂધની સતત 15 દિવસ સુધી તપાસ કરી અને વાહનોનો પીછો કર્યો હતો.
દૂધની ખરીદી કરી સેમ્પલ લેબમાં આપ્યાં હતાં. પ્રાથમિક રિપોર્ટમાં ખૂલ્યું હતું કે નકલી દૂધ જ ઠાલવીને પ્રસૂતાઓ અને બાળકોના આરોગ્યને ગંભીર ચેડાં થઈ રહ્યાં છે. આ જ થિયરીથી એક-બે નહિ, ઘણાં વાહનો રોજનું 10,000 લિટર દૂધ રાજકોટ શહેરમાં ઠાલવે છે. આ બનાવમાં તપાસ કરતા પોલીસ દ્વારા દુધ મોકલનાર માલીક વિજયભાઇ ભાભલુભાઇ માંકડ અને બોલેરો ગાડીનો ડ્રાઇવર રાજાભાઇ ગોગનભાઇ ટોળીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
છૂટક દૂધના સપ્લાય પર નજર રાખીને નકલી દૂધ સપ્લાય કોણ કરે છે એ શોધી કાઢ્યા બાદ કાર્યવાહી કરવા માટે શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી. ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ આ માટે ખાસ ટીમ બનાવી હતી અને 1000 લિટર નકલી દૂધ ભરેલું વાહન પંચાયત ચોકમાંથી પકડી પાડવામાં આવ્યું હતું. ખાનગી લેબમાં તત્કાલ પ્રાથમિક રિપોર્ટ કરવામાં આવતા તે અખાદ્ય હોવાનું તારણ નીકળ્યું છે. પોલીસ દ્વારા ડ્રાઈવર રાજુ ગોગણ ટોળિયાની પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, આ દૂધ ઉપલેટાના ઢાંકમાં વિજય ભાભલુ માંકડની ડેરીએથી લાવે છે.
રોજ રાત્રે 1 વાગ્યે ત્યાંથી નીકળતો અને સવારે રાજકોટ પહોંચી જતો. ક્યારે અને કોને દૂધ દેવું છે એ કહેવાતું નહિ, એક જગ્યાએ દૂધ અપાય એટલે તરત જ વિજયનો ફોન આવતો અને બીજી જગ્યાનું એડ્રેસ મળતું. એટલે કે, જે રીતે બૂટલેગર દારૂની હેરફેર કરે એ જ રીતે નકલી દૂધનું નેટવર્ક ચાલતું હતું. એ 1600 લિટર દૂધ લઈને આવ્યો હતો અને એમાંથી 600 લિટર પહોંચાડી દીધું છે. પોલીસ દ્વારા દૂધ બનાવનાર વિજયને બોલાવવામાં આવ્યો હતો. જોકે, તે આવ્યો ન હતો. મનપાની ફૂડ શાખાએ દૂધના વાહન તેમજ રાજુએ જે બે ડેરી કહી એ શિવશક્તિ અને આશાપુરા ડેરીમાંથી પણ સેમ્પલ લઈને વડોદરા લેબમાં મોકલી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, દૂધ લઈને આવેલા રાજુ ટોળિયાને માલવિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી. કે. ઝાલા અને તેમની ટીમ દ્વારા અટકાવ્યા બાદ તેના વાહનમાં જે દૂધ હતું એ ખરેખર કેવી ગુણવત્તાનું છે એ જાણવા માટે એ જોયું હતું. પીએસઆઈએ દૂધ ચાખવા માટે પીધું હતું પણ એનો સ્વાદ એટલો ખરાબ હતો કે ગળે ન ઉતારી શક્યા અને કોગળો કરી નાખ્યો હતો. આ દરમિયાન, દૂધ લઈને આવનારા રાજુ ટોળિયાને દૂધ પીવાનું કહેતાં તેણે સાફ ઈનકાર કર્યો હતો. જે સાબિત કરે છે કે દૂધ કેટલું હાનિકારક હશે.
દૂધ પકડાઈ જવાની ખબર પડતાં વિજયનો ફોન તરત બંધ થઈ ગયો હતો. ત્યારબાદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સને જાણ થતાં તેઓ તરત જ ઉપલેટા ઢાંક પહોંચ્યા હતા. જોકે, વિજયની કહેવાતી ડેરીએ તાળા જોવા મળ્યા હતા. ઘરેથી પણ લાપતા થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ફરી સંપર્ક કરવામાં આવ્યો હતો પણ વિજય ફરાર થયાનું ખૂલ્યું હતું. મનપાની ફૂડ શાખાએ સેમ્પલ લીધાં બાદ ડ્રાઇવરની હાજરીમાં 1000 લિટર દૂધનો નાશ કરી નિવેદન લેવામાં આવ્યું હતું.
જાણવા મળ્યું છે કે, હાલ આ દૂધના નમૂના લેવામાં આવ્યા છે અને 1000 લિટર દૂધનો નાશ કરી દેવાયો છે. નમૂના સરકારી લેબમાં મોકલી આપ્યા છે. પ્રાથમિક રિપોર્ટમાં અખાદ્ય હોવાનું સામે આવ્યું છે. ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હવે મુખ્ય રિપોર્ટ આવ્યા બાદ આ પ્રકરણમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારના શંકાસ્પદ દૂધ ભરેલાં વાહનો પર આગામી દિવસોમાં પૂરી નજર રાખી તવાઈ બોલાવાશે. લેબમાં સેમ્પલ ટેસ્ટ થતાં બન્ને વખતે અખાદ્ય હોવાનું પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. ભેળસેળમાં તેલ, ક્ષાર તેમજ પાઉડર હોવાનું ખૂલ્યું છે.
મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા 15 દિવસ સુધી દૂધના સપ્લાય પર નજર રાખી હતી. આ દરમિયાન, એક સફેદ બોલેરો ગાડી કે જેમાં સફેદ ટાંકામાં દૂધ ભરાતું હતું એની હિલચાલ શંકાસ્પદ લાગતાં તેના પર વોચ ગોઠવવામાં આવી હતી. એ વાહન ક્યાં ક્યાં દૂધ આપતું, ક્યારે આવતું આ બધી જ બાબતો માટે એનો ચાર દિવસ સુધી પીછો કર્યો હતો. તેણે જ્યાં દૂધ આપ્યું એ અલગ અલગ જગ્યાએથી દૂધ ખરીદીને સેમ્પલ અપાતાં એ અખાદ્ય નીકળ્યું હતું. મંગળવારે સવારે 4:45 વાગ્યે માર્કેટિંગ યાર્ડની સામે પેડક રોડ પર પાણીના ટાંકા પાસે પહોંચી હતી અને ત્યાં જ અંધારામાં એક દૂધ ભરેલો સફેદ બોલેરો ઊભો હતો.
થોડીવારમાં ત્યાં એક રિક્ષાચાલક આવ્યો અને 8 કેન દૂધ ભરીને ચાલતો થયો હતો. ત્યારબાદ ત્યાંથી ડ્રાઈવરે વાહનને ગ્રીનલેન્ડ ચોકડી તરફ વાળ્યું. બાદમાં ફરીથી પેડક રોડ પર શિવશક્તિ ડેરી, ત્યાંથી પાણીના ઘોડાથી આગળના ખત્રી સમાજની વાડી પાસે, પેલેસ રોડ પર આશાપુરા ડેરીએ સપ્લાય કરવામાં આવ્યું હતું. તે કાલાવડ રોડ પરથી યુનિવર્સિટી રોડ તરફ ગયો અને પંચાયત ચોકમાં પોલીસ દ્વારા અટકાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે વાહનનો કબજો લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જ્યાં હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અને રાજુ મિયાત્રા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.