પાલનપુર પાટિયા વિસ્તારમાં રીક્ષાની બચતના પૈસાની લેતીદેતીના મુદ્દે થયેલા ઝઘડામાં મધ્યસ્થી કરવા જતા થયેલી મારા મારીમાં રીક્ષા ચાલકે ચપ્પુ વડે કરેલા આવેલા હુમલામાં ફ્રુટ વેપારીને છાતીના ભાગે ઇજા થતા તેનું મોત થયું હતું. જયારે વેપારીના મિત્ર અને હુમલો કરનાર રીક્ષા ચાલક સહિત બે જણાને પણ સામાન્ય ઇજા થઇ હતી.
પાલનપુર જકાતનાકા વિસ્તારની દીપમાલા સોસાયટીમાં રહેતા અને ફ્રુટની લારી ચલાવતા રંજયકુમાર મદનરાય યાદવ (મૂળ રહે. તાજપુર, જિ. છપરા, બિહાર) ગત રાત્રે જમ્યા બાદ ઘરે ભાઇ અજય, ફ્રુટ વેપારી ધનંજય અને મિત્ર શિવશંકર અને મિટ્ટુ સાથે બેઠા હતા. ત્યારે રીક્ષા ચાલક મિત્ર મનોજ યાદવે મિટ્ટુને ફોન કરી કહ્યું હતું કે દત્તુ સાથે મારે ઝઘડો થયો છે અને તેને મળવા પાલનપુર રોડ ગાયત્રી સર્કલ પાસે મળવા જવાનું છે. મનોજ તેની પત્ની રિનાદેવી રીક્ષામાં રંજયકુમારના ઘરે આવ્યા બાદ તમામ રીક્ષામાં ગાયત્રી સર્કલ ગયા હતા. રંજયકુમારે પોતાના મિત્ર સંજય અને આસિફ પટેલને પણ કોલ કરી ત્યાં બોલાવ્યા હતા.
જયાં દત્તુ અને તેનો મિત્ર મનીષ આવ્યા હતા અને તેઓ પૈસાના મુદ્દે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેઓ વચ્ચે પુનઃ ઝઘડો થયો હતો અને મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં દત્તુએ મનોજને ધક્કો મારતા રંજયકુમાર અને ધનંજય તેઓને છોડાવવા વચ્ચે પડયા હતા. પરંતુ દત્તુએ ચપ્પુ વડે હુમલો કરી ધનંજયના છાતીના ડાબી બાજુએ ઘા ઝીંકી દીધો હતો અને મનોજને પીઠના ભાગે ઇજા પહોંચાડી હતી. જો કે બુમાબુમ થતા દત્તુ અને મનીષ ત્યાંથી ભાગી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં ધનંજય અને મનોજને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાંથી ધનંજયને વધુ સારવાર માટે નવી સિવિલમાં લવાયો અને ડોકટરોએ પ્રાથમિક સારવાર બાદ મૃત જાહેર કર્યો હતો.
ઘટના અંગે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથિમક તપાસમાં રીક્ષાની બચતના ૩૫૦ રૃપિયા મનોજ યાદવે દત્તુ પાસે લેવાના હતા. આ મુદ્દે તેઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી માથાકુટ ચાલી રહી હતી. પોલીસે આરોપી દત્તુ અને મનિષને ઝડપી પાડયા છે અને હાલમાં તેઓની પુછપરછ કરી રહી છે.