કોઈ ને લેવી હોય તો.. અડાજણ પાલમાં રહેતી કાશ્મીરની મહિલાએ કલમ 370 હટતા જ જમીન વેચવા કાઢી.

મોદી સરકારે લોકસભા અને રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલ રજૂ કરીને લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યાં છે. આ બીલથી દેશભરમાં ખુશી અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મૂળ કાશ્મીરની યુવતી પરંતુ લગ્ન બાદ પતિ સાથે સુરતના પાલ વિસ્તારમાં રહેતી મૃદુલે પોતાની ખુશી અલગ રીતે વ્યક્ત કરતાં જણાવ્યું હતુંકે, બાપ દાદાની જમીન હવે હું ખુશીથી દેશના કોઈપણ નાગરિકને વેચી શકીશ.

મૃદુલના માતા પિતા કાશ્મીર રહે છે

સુરતના પાલ વિસ્તારમાં રહેતી અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલી મૃદુલ શર્મા લગ્ન કરીને સુરત સ્થાયી થઈ હતી. રાજસ્થાનમાં જર્નાલીઝમમાં અભ્યાસ કર્યા બાદ તેણે રોનક શર્મા સાથે લગ્ન કર્યા હતા.જોકે કાશ્મીરથી આવેલી મૃદુલે હવે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પોતાની ત્યાં રહેલી જમીન વેચવા કાઢી છે. મૃદુલના માતાપિતા અને ભાઈ હજી પણ કાશ્મીરમાં રહે છે. અત્યાર સુધી કાયદાની મર્યાદા પ્રમાણે તેઓ ત્યાંથી જમીન બહારના કોઈપણ વ્યક્તિને વેચી શકતા ન હતા. અને એ જમીન ઉપયોગ વગર એમ જ પડી રહી હતી.

દાદાએ પહાડી પર જમીન ખરીદેલી

મૃદુલે જણાવ્યું હતું કે, કાશ્મીરના ઉધમપુરમાં તેનો પરિવાર રહે છે. મૃદુલના દાદા દ્વારા કાશ્મીરના ઉધમપુરમાં પંચેરીમાં પહાડી વિસ્તારોમાં જમીન ખરીદી હતી. પણ કાયદા પ્રમાણે તેની ખાસ ઉપજ નહોતી. જોકે મોદી સરકારે કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યા બાદ સોશિયલ મીડિયામાં કાશ્મીરમાં જમીન ખરીદવાના હાસ્યાત્મક મેસેજ ફરતા થયા હતા. મૃદુલે આ વાતને ગંભીરતાથી લીધી હતી..અને કાશ્મીરમાં રહેતા તેના માતાપિતા સાથે વાત કરી હતી.

વિધામાં નહી કાશ્મીરમાં મરલ્લામાં માપણી થાય છે

જમ્મુ કાશ્મીરમાં જમીનની માપણી મરલ્લામાં થાય છે.1 મરલ્લા એટલે 270 સ્કેવર ફૂટ.અને 1 મરલ્લાની કિંમત અંદાજે 4 થી 5 લાખ થાય છે.પણ હવે આ કિંમતમાં ઉછાળો આવ્યો છે.તેમની પાસે કુલ 100 મરલ્લા જેટલી જમીન છે.પંચેરી એક હિલ સ્ટેશન વિસ્તાર છે.અહીં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ખૂબ બરફ વર્ષા થાય છે. બાકીના 10 મહિના અહીં આહલાદક વાતાવરણ રહે છે.આ જમીન ઉપજાઉં છે.તે જમ્મુથી 90 કિમિ દૂર અને ઉધમપુરથી 40 કિમિ દૂર છે.આ વિસ્તારની વિશેષતા એ છે કે, અહીં આર્મીનો બેઝકેમ્પ આવેલો છે.તેથી અહીં સુરક્ષા પણ સારી છે..પંચેરીના પહાડી વિસ્તારમાં બદામ અને ચેરી પણ મોટા પ્રમાણમાં મળી આવે છે.

કાશ્મીરમાં રોજગારીનો સવાલ

મૃદલના પતિ રોનક શર્માએ જણાવ્યું હતું કે, કલમ 370 હટવાથી મૃદુલ અને તેના પતિ ખુશ છે. પણ તેમને કાશ્મીરના સ્થાનિકોની રોજગારી છીનવાઈ જવાનો ભય પણ છે.જોકે અમિત શાહે કાશ્મીરના વિકાસ માટે પાંચ વર્ષની માંગણી કરી છે.જેથી તેઓ સરકાર માટે આશાસ્પદ છે કે સરકાર અહીં રોજગારીની તકો વધુ ઉભી કરીને લોકોનો સર્વાંગી વિકાસ કરશે. હજુ તો નિર્ણય લેવાયો છે આગામી સમય જ બતાવશે કે ત્યાંનું પર્યાવરણ, રોજગારી અને સુરક્ષાની સ્થિતી કેવી રહે છે તેમ રોનકએ વધુમાં ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *