ગુજરાત વિધાનસભાની જસદણની પેટાચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે. કોંગ્રેસ તરફથી હજુ સુધી કુંવારજીની સામે બાવળીયા વિરુદ્ધનો ઉમેદવાર જાહેર નથી કરાયો અને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ત્યારે આજે કોંગ્રેસ તરફથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી બધા ચોંકી ગયા છે. કોંગ્રેસ હાઇકમાન્ડે જસદણ બેઠક પરથી પેટાચૂંટણી માટે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને ફોર્મ ભરવા માટે આદેશ કર્યો છે. કોંગ્રેસ તરફથી ભોળાભાઈ ગોહિલ એ આજે ચૂંટણી ફોર્મ લીધું હતું. પરંતુ આજે પૂર્વ પાસ કન્વીનર અને હાલમાં ધોરાજીના ચાલુ ધારાસભ્ય લલિત વસોયાએ પણ ફોર્મ ઉઠાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આજે કુંવરજી બાવળીયાએ ભાજપ તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ હજુ સુધી કોંગ્રેસ તરફથી કોઇપણ ઉમેદવારનું નામ ફાઇનલ કરવામાં આવ્યું નહોતું. કોંગ્રેસ તરફથી અવસરભાઇ નાકિયાનું નામ ટોપ પર છે તેવી ચર્ચા ચાલી રહી હતી, તે બધા વચ્ચે કોંગ્રેસ હાઇકમાન્ડે લલિત વસોયાને ફોર્મ ભરવા માટે આદેશ આપ્યો છે.
આ વાત અમે નહીં પરંતુ પૂર્વ પાસ કન્વીનર લલિત વસોયાએ કહ્યું હતું કે, મને મારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઇ તરફથી આદેશ કરવામાં આવ્યો કે, તમારે ફોર્મ ઉપાડવાનું છે અને તેમનો આદેશ માન્ય રાખીને મેં ફોર્મ લીધું છે. મને ચૂંટણી લડાવાના છે કે નથી લડાવાના એ હાઇકમાન્ડે નક્કી કરવાનું છે. જુથવાદ પર લલિત વસોયાએ કહ્યું હતું કે, વીડિયો કોલિંગ કરીને બતાવી શકું કે જસદણ ટિકિટના જેટલા પણ માંગણીદારો છે, તેમની હાજરીમાં હું તમારી સાથે ફોર્મ ભરવા અંગે વાતચીત કરી રહ્યો છું.
જસદણ વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસની હાલત બાર સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ છે જેથી પેરાશૂટ ઉમેદવાર તરીકે લલિત વસોયાને ઉતાર્યા હોઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે.