ગુજરાત(Gujarat): દીવમાંથી ગીર સોમનાથ(Gir Somnath) જીલ્લામાં દારૂ ઘુસાડવાના નવા કિમીયાનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં એમેઝોન કંપનીના કુરીયર(Courier)માં કામ કરી રહેલ યુવાનને દેલવાડા ગામ પાસે પોલીસે શંકા જતા તેને રોકવામાં આવ્યો અને થેલામાં તપાસ કરતા ખાખી સીલ પેક બોકસમાંથી વિદેશી દારૂની 50 થી વઘુ બોટલો મળી આવતા પોલીસકર્મીઓ ચોકી ઉઠ્યા હતા. આ દારૂની હેરાફેરી(Alcohol rigging) મામલે ગુનો નોંઘીને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સંઘ પ્રદેશ દીવની સરહદને અડીને આવેલ ગીર સોમનાથ જીલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમીયાઓ અપનાવવામાં આવે છે. આવી ઘણા કિમીયાનો પોલીસ ભુતકાળમાં પર્દાફાશ પણ કરી ચુકી છે. ત્યારે દારૂની હેરાફેરી કરી ઘુસાડવાનો વઘુ એક નવો કિમીયો સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે. જે અંગે પોલીસમાંથી મળતી વિગતોનુસાર કુરીયરમાં કામ કરતો એક યુવાન તેના થેલામાં દીવ-ઘોઘલા તરફથી દારૂ લઇ ઉના તરફ આવતો હોવાની પોલીસને જાણકારી મળી હતી. જેના કારણે પોલીસકર્મી અશ્વીન ડોડીયા, મયુરસિંહ ઘીરૂભાઇ, હરેન્દ્રસિંહ અમરસિંહએ ઉના-દીવ રોડ પર દેલવાડા ગામની ચોકડી પાસે વોચ રાખીને બેઠા હતા.
ત્યારે બપોરના અઢી વાગ્યા આસપાસ દિપક સોંદરવા (રહે.મોઠા-તા.ઉના) સ્પલેન્ડર બાઇકમાં થેલા સાથે પસાર થઇ રહ્યો હતો. જેથી શંકાના આઘારે પોલીસે તેને રોક્યો અને તેની પાસે રહેલ કુરીયરનો થેલો તપાસતા તેમાં રહેલ ખાખી કલરના સીલ પેક બોકસો મળી આવ્યા હતા. જે તમામ બોક્સને ખોલવામાં આવતા તેમાંથી ભારતીય બનાવનો વિદેશી દારૂની 50થી વઘુ બોટલોનો જથ્થો મળી આવત્તા પોલીસની આંખો પણ પહોળી થઇ ગઈ હતી. જેને કારણે દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસે ગુનો નોઘીને દિપક સોંદરવાની અટક કરી હતી અને તે એમેઝોન કુરીયરમાં નોકરી કરતો હોવાનું પોલીસને પુછપરછ દ્વારા જાણવા મળ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુતકાળમાં પણ અનેક વખત સંઘ પ્રદેશ દીવમાંથી દારૂ ઘુસાડવા માટે કાર, રીક્ષા, બોલેરો જીપ, મેજીક જેવા વાહનોમાં ચોરખાના બનાવી તેના પર માલ રાખી ઘુસાડવાના કિમીયાઓનો પોલીસ દ્વારા અનેકવાર પર્દાફાશ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.