અમદાવાદ(Ahmedabad): હાલમાં સમગ્ર દેશભરમાં કોરોના મહામારી ફેલાયેલી છે. ત્યારે ગુજરાતમાં પણ ધારાસભ્યો, નેતાઓ, કાર્યકરો પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. પૂર્વ આરોગ્ય મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારા છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત થયા છે તેમને વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા છે. તેઓ છેલ્લા 10 દિવસથી સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડવામાં આવ્યા છે. જ્યાં એકમો ટેકનિક દ્વારા તેમની સારવાર કરવામાં આવશે.
દિવંગત રાજ્યસભા MP અભય ભારદ્વાજને પણ ચેન્નઈ લઈ જવાયા હતા. આ પહેલા 2020માં વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને તાત્કાલીક ચાટર્ડ પ્લેન દ્વારા ચેન્નઇ એમ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં દેશના ટોચના ફેફસાંના સુપર સ્પેશિયાલિસ્ટ ડો.કે.આર. બાલક્રિષ્નન અને તેની ટીમે સારવાર કરી હતી. લાંબા સમય સુધી સારવાર ચાલ્યા બાદ અભય ભારદ્વાજનું અવસાન થઈ ગયું હતું.
જ્યારથી કોરોના મહામારી આવી છે ત્યારથી દર્દીઓ માટે ECMO(એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન) ટેકનિકનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. ECMO એક લાઇફ સપોર્ટ સિસ્ટમ છે. જેમાં એક આર્ટિફિશિયલ હાર્ટ અને ફેફસાંની જોડી બહારથી કામ કરે છે. જ્યારે દર્દીના ફેફસાં અને હ્રદય કામ કરવાનું બંધ કરી દે ત્યારે આ સિસ્ટમ બહારથી કામ કરે છે. આ મશીન દ્વારા બ્લડમાંથી કાર્બન ડાઇક્સાઇડને હટાવીને બ્લડમાં શુદ્ધ ઓક્સિજન ભરે છે.
ડોકટરના જણાવ્યા અનુસાર, છેલ્લાં ઘણા દિવસથી ડૉ. અનિલ જોશીયારાને સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા છે અને કોંગ્રેસના ટોચના નેતાઓએ પરિવારજનોનો સંપર્ક કર્યો અને અનિલ જોશીયારાના ખબરઅંતર પૂછ્યા હતાં. ડૉકટરોનું કહેવુ છે કે, જોશીયારાને એકાદ સપ્તાહ સુધી ઓબર્ઝેવેશનમાં રખાશે. હાલમાં તેમની તબિયત સ્થિર છે અને વેન્ટિલેટર પર હોવાથી કોઈ ખતરો નથી. અલબત્ત તેમને એક સપ્તાહ સુધી તો વેન્ટિલેટર પર રખાશે જ એ જોતાં તેમના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરોમાં ચિંતાની લાગણી છે.
અત્રે ઉલેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં મંત્રી જીતુ ચૌધરી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્ય અજમલજી ઠાકોર, ધારાસભ્ય પ્રતાપ દુધાત, મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, સાંસદ પૂનમ માડમ સહિત અન્ય ધારાસભ્યો, નેતાઓ, કાર્યકરો પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.
જાણો કોણ છે ડૉ.અનિલ જોશીયારા
મળતી માહિતી અનુસાર, ડૉ.અનિલ જોશીયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995 થી 1997 સુધી આરોગ્ય મંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998 થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.