રાજકોટ(Rajkot): ગુજરાતમાં અવાર-નવાર ખનિજ માફિયાઓ(Mineral mafias) બેફામ બનીને ટ્રક અને ટ્રેક્ટરો મારફતે રેતીચોરી કરતા રહ્યા છે. ત્યારે ધોરાજી, ઉપલેટા અને પાટણવાવ વિસ્તારમાંથી પસાર થતી ભાદર નદીમાંથી બેફામ રેતીચોરી ને અટકાવવા માટે સ્થાનિક સરકારી તંત્રોના સત્તાધીશો રિતસરના ટૂંકા પડતાં હોય તેવું જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાં આવેલ રાજકોટના તાલુકાઓમાંથી પસાર થતી ભાદર નદીમાંથી દરરોજ ટ્રક અને ટ્રેક્ટરો મારફતે લાખો રૂપિયાની રેતીચોરી થઇ રહી હોવાના પુરાવા મળી રહ્યા છે. રોજ લાખો રૂપિયાની ખનીજ ચોરી કરીને નાના મોટા ડંપરો રોડ-રસ્તા પર આવન જાવન કરી રહ્યા છે. આ બધું સરકારી તંત્રો પણ જાણી રહ્યા છે. તો પછી તેમના સામે કોઈ કારવાહી કેમ કરવામાં નથી આવતી? શું સરકાર આવા ખનિજ માફિયાઓથી ડરી રહી છે. કે પછી સત્તાધીશો સાથેની સાંઠગાંઠથી ખનિજ માફિયાઓ પોતાનું રાજ ચલાવી રહ્યા છે?
મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી ધોરાજીના સુપેડી ગામની, પાટણવાવ વિસ્તારમાં આવેલ છાડવાવદર, ભોળા, ભિમોરા, ઉપલેટા વિસ્તારમાં આવેલ મોજ નદીના કાંઠે ઉપરાંત ભાયાવદર વિસ્તારમાં આવેલ મોજ નદીના કાંઠે, સાજડીયાળી ગામની મોજ નદીના કાંઠે, ઉપલેટાના ભાયાવદર વિસ્તારમાં ખાખીજાળીયા ગામ પાસે આવેલ મોજ નદીના કાંઠે, ચિખલીયા ગામની ભાદર નદીના કાંઠે, ઇસરા ગામની ભાદર નદી કાંઠે, ડુમિયાણી ટોલનાકાની બાજુમાં આવેલ ભાદર નદીના કાંઠે સમઢીયાળા ગામની ભાદર નદીના કાંઠે, ઉપલેટાના ગણોદ ગામની ભાદર નદીના કાંઠેથી બેફામ રેતીચોરી થઇ રહી છે.
રાજકોટના તાલુકાઓમાં કરોડોનો કાળો કારોબાર થઇ રહ્યો છે જેનાથી સરકારની તિજોરીમાં રાતી પાઇ પણ જમા થતી નથી, ત્યારે આ વાતમાં સબંધિત સત્તાધીશોની મીઠી નજર કારણભૂત હોવાનું સાબિત થઈ રહ્યું છે. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક લોકોનું કહે છે કે, “અમે ખનીજ ચોરીની ફરિયાદ કરીએ જાનનું જોખમ ઊભું થઈ જાય છે. કારણ કે ઉચ્ચ રાજકીય આગેવાનો અને અગ્રણીઓ સાથે સંકળાયેલા ખનીજ માફિયા આમ આદમીઓ પર હુમલા કરવામાં જરાય ખચકાતા નથી. અમે આ પહેલા અનેક વખત ફરિયાદ નોંધાવી ચુયા છીએ. પરંતુ અત્યાર સુધી કોઈ જગ્યાએ અમારી ફરયાદ લેવાતી જ નહિ, તો વળી કોઈ જગ્યાએ ફરયાદ લીધા બાદ કાર્યવાહી જ ન થતી.”
જાગૃત નાગરિકો દ્વારા રેતી-ખનીજ ચોરીની ઘટનાઓ કેમેરામાં કંડારી લેવામાં આવી હતી. ત્યાર બાદ ઉપલેટાના મામલતદારને આ વિડીયો અંગે પૂછયું કે, ‘આટલી મોટી સંખ્યામાં ટ્રક અને ટ્રેક્ટરો મારફતે રેતી ચોરી થઇ રહી છે તેને અટકાવવા તમે કોઈ પ્રયાસ કર્યો કે નહીં? ત્યારે તેઓએ જવાબ આપતા જણાવ્યું કે, “ખનીજ ચોરી અટકાવવી તે અમારી કામગીરી નથી.”
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ અનેક વખત ખનીજ ચોરીની ઘટનાઓ સામે આવી છે. તે દરમ્યાન અવાજ ઉઠાવનાર એક જાગૃત નાગરિક ઉપર ખનીજ ચોરોએ હુમલો કરીને પગ ભાંગી નાખ્યા હતા. એટલું જ નહીં. ભૂતકાળમાં આ વિસ્તારોમાં ખનીજ ચોરી પર દરોડો પાડવા ગયેલા એક ડેપ્યુટી કલેકટર ઉપર પણ ખનીજ માફિયાઓના માણસોએ હુમલો કર્યો હતો. ત્યાર બળથી કલેકટર પણ આ અંગે કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી.
સમગ્ર ઘટના અંગે ખાણ અને ખનીજ તંત્રને સવાલો પૂછવામાં આવ્યા તો તેના વળતા જવાબમાં તેઓએ કહ્યું કે, તેઓની પાસે અપૂરતો સ્ટાફ હોવાથી રેતી ચોરી અટકાવી શકાતી નથી. આ લૂલા બચાવ પાછળ હપ્તાખોરી સાબિત થતી હોવાનો લોકોનો આક્ષેપ છે. કારણ કે ખાણ ખનીજ તંત્રના એકલ દાકલ અધિકારીઓ ધારે તો પોલીસ સાથે રાખીને રેતી ચોરી ડામી શકે, પણ ટોપ ટૂ બોટમ તમામ સરકારી તંત્રોને ખનીજ માફીઓએ સાચવી લેતા હોવાની વાતો મજબૂત બની રહી છે.
ગુજરાત વિધાનસભામાં કોગ્રેસ દ્વારા ખનિજ માફિયાઓ સાથે ભાજપની કેવી સાંઠગાંઠ છે તે ખૂલ્લું પાડવામાં હતું. ગેરકાયદેસર ખાણો ખોડી કાઢવી, દંડ કરવો અને ખનિજ માફિયાઓ પકડાયા હોવા છતાં પોલીસ તેની સામે કેસ કેમ દાખલ નથી કરી શકતા? ખનીજ માફિયાઓની દાદાગીરી કહો કે સત્તાધીશો સાથેની સાંઠગાંઠ કહો, લોકો આવા ખનીજ માફિયાઓ અંગે ફરિયાદ કરવામાં થરથર ધુ્રજી રહ્યા છે. રાજ્યના ઉચ્ચ ખનીજ તંત્રે બેરોકટોક થતી રેતી ચોરી પર ત્રાટકવાની જરૂર હોવાનું જાગૃત લોકો કહે છે.
છેલ્લા 2 વર્ષમાં ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ખનના 14002 કિસ્સામાં રૂ.610 કરોડની ખનીજ ચોરીનો દંડ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં આ 14 હજાર માફિયાઓએ માત્ર રૂપિયા 181 કરોડનો જ દંડ ભર્યો હતો. જે માત્ર 30 ટકા થાય છે. 70 ટકા દંડ ન ભરીને ભાજપના નેતાઓને માફિયાઓ પડકારી રહ્યાં છે. ભાજપના નેતાઓ તેમને છાવરે છે એવું તેના પરથી સ્પષ્ટ થયું છે. એવું માનવામાં આવે છે કે, ચોરી પકડાઈ છે તે માત્ર 1 ટકો છે. 99 ટકા ચોરી પકડાતી જ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.