હાલમાં સરકારે ટ્રાફિકને લઈને દંડમાં ખુબ જ વધારો કરી દીધો છે. અને વધતી જતી વસ્તીના કારણે રોજ રોજ અકસ્માતની સંખ્યામાં પણ ભારે વધારો થાય છે. અને લોકો પણ ટ્રાફિકને વધુ ધ્યાનમાં નથી રાખતા. એ કારણોસર સરકારે નિયમ કડક કરવા માટે દરેક કરમાં ખુબ જ વધારો કર્યો છે. અને આ વધુ પડતા કર વધારાને કારણે નારાજ થયેલા નાગરિકો ખુબ જ સરકારના આ કામથી દુઃખી થયા છે. અને સરકાર સામે પત્ર લખ્યો છે.
માનનીય સત્તાધિશો,
જય હિંદ જય ભારત સહ જણાવવાનું કે ગઈકાલે ગુરુગ્રામનો ટ્રાફિક ચાલાનનો જે કિસ્સો ચગ્યો એ સંદર્ભે મેં તમને આ પત્ર લખવાનું વિચાર્યું છે. જો લાયસન્સ વિના કોઈ વાહનચાલક ગાડી ચલાવતો હોય તો તંત્ર અને સત્તાધિશોની પૂરે-પૂરી ફરજ બને છે તે વહાનચાલક પર દંડ ફટકારે. કારણ કે જો તંત્ર આ સંદર્ભે કોઈ પગલાં નહીં લે તો દેશમાં ગેરકાયદેસર રીતે વાહન ચલાવનારાઓ વધી જશે, જે દેશના હિતમાં નથી. એ વાત પણ એટલી જ સાચી કે એ વાહનચાલકે આરસીબુક, થર્ડ પાર્ટી ઈન્સોરન્સ, નો પોલ્યુશન સર્ટિફિક્ટ અને હેલ્મેટ પણ સાથે લઈને જ ફરવાનું હોય. ગુરુગ્રામનો એ વાહનચાલક જ નહીં, દેશના દરેક નાગરિકે આટલી બાબતે ફરજિયાત સાથે જ રાખવી જોઈએ. આખરે દેશના કાયદાઓનું પાલન કરવું એ પણ રાષ્ટ્રસેવા જ છે. અને એ કાયદાઓનું પાલન ન થાય દંડ વસૂલવાનું કે વાહન ડિટેઈન કરવા સુધીનું જે કોઈ પગલું હોય એ સરકારે ભરવું જ જોઈએ.
પણ માનનીય સત્તાધિશો પહેલી સપ્ટેમ્બરથી લાગુ પડાયેલા નવા દંડો વિશે તમને કેટલાક સવાલો પૂછવાની ઈચ્છા થાય છે. ભારતના બંધારણે મને એ સવાલો પૂછવાનો અધિકાર આપ્યો છે. તો પૂછી શકુંને? સૌથી પહેલો સવાલ તો એ જ પૂછવાનું મન થાય કે એક સામાન્ય વાહનચાલકને તેના વાહનની કિંમત કરતાય વધુ કિંમતનો દંડ ફટકારતી વખતે તંત્ર તરીકે તમારું હ્રદય ન ડંખ્યું? કે જે તંત્રમાં નાગરિકોને અપાતી મૂળભૂત સર્વિસને નામે પણ આંખ આડા કાન કરાયા હોય એ તંત્રમાં સામાન્ય નાગરિકને ત્રેવીસ હજારનો દંડ કઈ રીતે ફટકારી શકાય?
ચાલો સમજ્યા. સરકારને વાહન સંદર્ભના નિયમોનો ગુનો એટલો ગંભીર જણાતો હશે તો ભલે આટલો આકરો દંડ રાખે. પરંતુ સરકાર અને તંત્રની જવાબદારી માત્ર દંડ વસૂલવાની જ છે? શું તંત્રની જવાબદારી સારા અને પહોળા રસ્તા આપવાની નથી? ખૂદ પરિવહન મંત્રીએ સંસદમાં આ આંકડા આપ્યા છે કે વર્ષ 2015થી 2017 સુધીમાં સડક પરના ખાડાને કારણે 9300 લોકોના મૃત્યુ થયા હતા. આ તો એ આંકડાઓ છે, જે નોંધી શકાયા છે. બીજા સેંકડો એવા હશે, જેના સડક અકસ્માતમાં થયેલા મૃત્યુ વિશે ક્યાંય નોંધ પણ નહીં થઈ શકી હોય. એ લોકોના જીવનની ભરપાઈ કોણ કરશે? શું એમના જીવન કરતા દંડની રકમ વધુ મહત્ત્વની છે કે સારા રસ્તા પ્રોવાઈડ કરવાની જગ્યાએ સરકારે દંડની વસૂલાત પર આટલું બધું ધ્યાન આપ્યું?
હજુ પંદર દિવસ પહેલાં જ મુંબઈમાં પાંચ વર્ષના વેદાંતનું બાઈક પરથી પડી જવાથી મોત થયું. વેદાંતના પપ્પાએ હેલ્મેટ પહેરી હશે કે નહીં એની તો નથી ખબર, પરંતુ ખાડામાં તેમની બાઈટ સ્લીપ મારી ગયેલી અને વેદાંત જમીન પર ફંગોળાઈ ગયો. હજુ કોઈ કંઈ વિચારે એ પહેલાં તો પાછળથી આવતો ટેમ્પો વેદાંત પર ફરી વળ્યો અને પાંચ વર્ષનો નાનકડો વેદાંત….
દેશનું ભવિષ્ય આ રીતે સડકના ખાડાને કારણે મૃત્યુ પામે ત્યારે સવાલ કોને પૂછવો? અને એની જવાબદારી કોણ લેશે? કે પછી કોન્ટ્રાક્ટરથી લઈ એન્જિનિતયર અને મજૂરો સુધીના લોકો પર ટપ્પાદાવ જ રમવાનો? અને સેવાઓ પૂરી પાડવામાં તંત્ર એ હદે નિષ્ફળ ગયું છે કે ખૂદ સુપ્રિમ કોર્ટે એ બાબતે ટકોર કરવી પડી છે કે દેશમાં જેટલા જીવ રસ્તા પરના ખાડાને લીધા ગયા છે એટલા જીવ તો આતંકવાદને કારણે પણ નથી ગયા. એનો અર્થ એ થયો કે રસ્તા પરના ખાડા આતંકવાદ કરતાય ગંભીર છે!
આ સિવાય બીજા તો કેટલાય કિસ્સા છે, જે અત્યંત કરુણ છે. પરંત અહીં એ દાસ્તાનો ક્યાં આલેખવી? સરકારે ભલે સિટ બેલ્ટથી લઈ હેલ્મેટ અને ડ્રંક એન્ડ ડ્રાઈવથી લઈ લાયસન્સ સુધીની બાબતોના ગુનાઓ માટે દંડની જોગવાઈ કરી હોય, દેશનો નાગરિક માત્ર એક જ બાબત માગે છે અને એ બાબત છે સારા અને પહોળા રસ્તા, જેના પર તેઓ હેલ્મેટ પહેરીને, લાઈસન્સ લઈને, સિટ બેલ્ટ બાંધીને કે પોતાના વાહનની આરસીબુક લઈને તે સેઈફ ડ્રાઈવિંગ કરી શકે.
સરકાર જો દેશના નાગરિક પાસે સામાન્ય ગુનાઓના બદલામાં તોતિંગ દંડ વસૂલાતની અપેક્ષા રાખતી હોય, તો જીવના બદલામાં નાગરિકો સારા રસ્તાની માગ કરી શકે કે નહીં?
ખૈર, તમે સરકાર છો. તમારી પાસે સત્તા છે. નિર્ણય તો તમારે જ કરવાનાને? અમારે શું અમે તો કોઈક અકસ્માતના ભોગ બનીશું તો ગમ ખાઈને બેસી રહીશું અને જ્યારે જ્યારે કોઈક ગુનામાં પકડાઈશું તો તોતિંગ દંડો ભરતા રહીશું. બીજું શું?
એ જ આપનો, અનાદીકાળથી દંડ અને ટેક્સ ભરતો આવેલો સામાન્ય નાગરિક…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.