ગુજરાતના રાજકોટમાં પ્રેમજેહાદના ચોંકાવનારા કિસ્સામાં ગાંધીગ્રામ-૨ પોલીસે મુખ્ય આરોપી જમીલ બશીર સોલંકી (ઉ. 23) અને તેની માતા અસમાબેન (ઉ. 65) આ પરિવાર દૂધસાગર રોડ, લાખાજીરાજ સોસાયટી-૨ માં રહે છે. અને પોલીસ અધિકારી દ્વારા ધરપકડ કરી બંનેને કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ જારી રાખી છે.
આરોપી જમીલે કઈ રીતે ભોગ બનનાર યુવતીને મોહજાળમાં ફસાવી, તેની ઉપર દૂષ્કર્મ ગુજારી, તેણે સંબંધ તોડી નાખવા છતાં તેને હેરાન-પરેશાન કરી ધાકધમકી આપી તેની સગાઈ તોડવા ધમપછાડા કર્યા હતા તેની ડરામણી વિગતો બહાર આવી છે. જમીલના અસહ્ય ત્રાસથી કંટાળી બીજો કોઈ માર્ગ નહીં દેખાતા આખરે ભોગ બનનાર યુવતીએ ગળાફાંસો ખાઈ લઈ જીંદગી ટુંકાવી લીધી હતી. તેની સ્યુસાઈડ નોટમાં જમીલે તેને કેટલી હદે પરેશાન કરી ભયભીત કરી દીધી હતી તેનો ઉલ્લેખ છે.
આ કિસ્સો ભોગ બનનાર જેવી બીજી ઘણી યુવતીઓ માટે પણ લાલબતી સમાન છે કે જે આંખો મીંચીને કોઈપણ તપાસ કર્યા વગર આવારા તત્વોની મોહજાળમાં ફસાઈ સર્વસ્વ ગુમાવી પોતાની અને પરિવારજનો માટે મુસીબતોના પહાડ ખડા કરી દે છે. આ સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર યુવતીના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે સિલાઈ કામ કરે છે. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે જેમાંથી બે પુત્રીના લગ્ન થઈ ગયા છે. ત્રીજી પુત્રી કે જે ૨૧ વર્ષની છે તેની સગાઈ રાજકોટ નજીકના ગામડાના યુવાન સાથે ગઈ તા. ૧૦-૫-૨૦૧૯ના રોજ થઈ હતી. તેની આ પુત્રી તેની સાથે સિલાઈકામ કરતી હતી.
થોડા વર્ષ પહેલા તેઓ હનુમાન મઢી વિસ્તારમાં રહેતા હતા ત્યારે એક દિવસ તેની પુત્રીનું લીવીંગ સર્ટી વીમાના કામ માટે શોધતા હતા ત્યારે નહીં મળતા પુત્રીને જ આ બાબતે પુછતા તેણે રડતા રડતા કહ્યું, તે ઘરકામ માટે ઘરની બહાર જતી ત્યારે પાડોશમાં રહેતો જમીલ સોલંકી તેની પાછળ પાછળ આવતો હતો અને પરાણે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. તે એમ પણ ધમકી આપતો કે જો તુ પ્રેમસંબંધ નહીં રાખ તો તારા ભાઈને મારી નાખીશ. આ પછી તેણે તેના ડોક્યુમેન્ટ માંગતા આપી દીધા હતા.
જેથી તેઓ કૌટુંબીક સગા સાથે જમીલના ઘરે તેને સમજાવવા જતા જમીલ અને તેની માતાએ ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં તેની માતાએ કહ્યું કે તમારી દિકરીને મારા દિકરા સાથે પ્રેમસંબંધ છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વખતે સમજાવટ કરતા તેની પુત્રીના ડોક્યુમેન્ટ તેમને પરત આપી દીધા હતા.
ત્યારબાદ પણ જમીલ તેની પુત્રીને અવારનવાર હેરાન કરતો હોવાથી તેમણે હનુમાન મઢી વિસ્તારનું મકાન ભાડે આપી 150 ફૂટ રીંગ રોડ પરના વિસ્તારમાં રહેવા જતા રહ્યા હતા. ત્યાં રહેવા ગયા પછી પણ તેની પુત્રી જ્યારે ઘરની બહાર નિકળતી ત્યારે જમીલ તેની પાછળ-પાછળ જઈ પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. જે તે વખતે સમાજમાં આબરૂ જવાની બીકે તેમણે આ અંગે પોલીસમાં ફરિયાદ કે અરજી કરી ન હતી.આજથી ચારેક માસ પહેલા તેની પુત્રીની સગાઈ કરી હતી. આમ છતાં જમીલ તેની પુત્રીને લઈ જતા તેમણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણ કરતા ત્રણ દિવસ બાદ તેની પુત્રી અને જમીલ ગાંધીગ્રામ પોલીસ મથકે હાજર રહ્યા હતા. તે વખતે તેની પુત્રીએ જમીલના ડરથી તેણે કહ્યા મુજબનું નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું કે તેણે રાજીખુશીથી જમીલ સાથે લીવ ઈન રિલેશનશીપ કર્યા છે. હવે તેમની સાથે રહેવા માંગતી નહીં હોવાનું કહેતા પોલીસે તેની પુત્રીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.
તેના 15 દિવસ બાદ તેની પુત્રીએ ઘરે પરત ફરવાની ઈચ્છા દર્શાવતા તેઓએ ત્યાં જઈ પુત્રીને ઘરે લઈ આવ્યા હતા ત્યારે તેની પુત્રીએ કહ્યું કે જમીલ અને તેનાં મિત્રએ તેને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી એક વકીલ પાસે લઈ ગયા હતા. જ્યાં વકીલે તેને ધમકાવી તેની પાસે પરાણે તેના કહ્યા મુજબનું નિવેદન પોલીસ મથકમાં લખાવવાનું કહેતા તેણે તે મુજબ કર્યું હતું. આ પછી તેની પુત્રીના મંગેતરે તેને ફોન કરી કહ્યું કે, જમીલ અને તેનો મિત્ર તેને ફોન અને મેસેજ કરી તેની પુત્રી સાથે સગાઈ તોડી નાખવા માટે ધાકધમકી આપી રહ્યા છે. એટલું જ નહીં તેના ભાઈને મારવા માટે ગયાનું પણ કહ્યું હતું.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ગઈ તા. ૨ના રોજ તેની પુત્રીએ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘરમાં તપાસ કરતા તેની પુત્રીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં જમીલ સહિતના આરોપીઓના ત્રાસથી આ પગલું ભરી લીધાનું લખ્યું હતું. જેના આધારે તેમણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જમીલ તેની માતા, મિત્ર અને અજાણ્યા વકીલ સામે આપઘાતની ફરજ પાડવી, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ જારી રાખી છે. ભોગ બનનાર યુવતીએ પોલીસ કમિશનર અને કોઈ ભટ્ટભાઈને સંબોધીને લખેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, બે વર્ષ પહેલા તેની બહેનપણી સાથે મહેંદી મુકાવવા ગઈ ત્યારે જમીલ મળ્યો હતો અને ત્યારથી તેની પાછળ પડી ગયો હતો.
તે બજારમાં જતી ત્યારે તેની પાસે આવી કહેતો કે મારી સાથે વાત કેમ કરતી નથી તેમ કહી અવારનવાર તેનાં ભાઈને મારી નાખવાની ધમકી આપતો હતો. એટલું જ નહીં તેની સાથે ફોન પર વાત કરવા મજબૂર કરતો હતો. આ રીતે બે વર્ષ તેને હેરાન કરી હતી. ત્યારબાદ તેની સગાઈ થઈ પછી પણ તેની પાછળ પડી ગયો હતો અને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હોવાથી તે ખૂબ જ ડરી ગઈ હતી. પરિણામે તેણે જમીલે કહ્યું તેમ કરી તેને પોતાના તમામ ડોક્યુમેન્ટ આપતાં તે અને તેનો મિત્ર તેને કારમાં બેસાડી કોર્ટમાં લઈ ગયા હતા અને ત્યાં લીવ ઈન રિલેશનશીપ કરાવી ધરમનગર ક્વાર્ટરમાં ત્રણ દિવસ ગોંધી રાખી વારંવાર દૂષ્કર્મ ગુજાર્યું હતું.
આ પછી ગાંધીગ્રામ પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં વકીલે તેને જમીલ અને તેની માતા કહે તે રીતે નિવેદન લખાવવાની અથવા ૧૦ વર્ષની સજા કરાવવાની ધમકી આપી હતી. એકબાજુ આ ધમકી, બીજી તરફ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેને પોલીસ ચોકીમાં ખોટુ નિવેદન લખાવવા મજબૂર કરાઈ હતી. આ બધું થવા છતાં જમીલ અને તેના મિત્રએ તેનાં સસરા પક્ષમાં મેસેજ કરતા હતા. તેના દિયરને મારવા પણ ગયા હતા. સગાઈ તોડાવવા આ બધી શરમથી થાકી ગઈ હતી. તેના પિતાની બહુ જ સારી આબરૂ છે અને તેની આબરૂને તેણે ધક્કો પહોંચાડયો છે. તેના ભાઈને પણ ભગવતી હોલ જવા દેતા નથી.
અંતમાં ભોગ બનનાર યુવતીએ લખ્યું છે કે, સાહેબ આ લોકોને છોડતા નહીં. ભગવતી હોલે બેસીને આ જ ધંધા કરે છે. આમાં મારા મમ્મા-પપ્પાનો કોઈ વાંક નથી. મારી મેળે હું આપઘાત કરું છું. મારા સસરા પક્ષનો પણ કોઈ દોષ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.