મોટા સમાચાર: જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાંથી જ ધોરણ 6, 7 અને 8 ના વાર્ષિક પરીક્ષાના પેપરો ચોરાયા

ગુજરાત(Gujarat): શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani)ના જીલ્લા ભાવનગર(Bhavnagar)માં એક શાળામાંથી પ્રશ્નપત્ર ચોરી થયાની પોલીસ ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર, તળાજા(Talaja) તાલુકાની નેસડવ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો ચોરાઈ જવા અંગે શાળાના આચાર્યએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રાથમિક શાળામાં રાત્રીના સમયે અજાણ્યા શખ્સો દ્વારા પ્રશ્નપત્રની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ એલસીબી, એસઓજી, ડોગ સ્કવોડે તપાસ શરૂ કરી છે. આજે અને આવતીકાલે યોજાનારી શાળાકીય પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

રાજ્યભરમાં 22 અને 23 એપ્રિલના રોજ યોજાનારી ધોરણ 7 ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભીખાભાઈ જોષીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી આ સિલસિલો શરૂ થયો છે. આવી ઘટના રાજ્ય પર કલંક સમાન છે. ગુજરાત જેવા રાજ્યમાં આવી ઘટના બનવી દુઃખદ છે. ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોર મિયાણીએ જણાવ્યું હતું કે, નેસવડની શાળામાંથી અસામાજિક તત્વોએ પ્રશ્નપત્રની ચોરી કરી હતી. અસામાજિક તત્વોનો બદઇરાદો હોય તેવું લાગી રહ્યું છે.

ભાવનગર એસપીએ જણાવ્યું કે, પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિભાગે તાત્કાલિક નિર્ણય લેતા તમામ જિલ્લાઓને જાણ કરી છે. પ્રાથમિક શાળામાં ચોરીની ઘટના દુઃખદ છે.

ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર આ લોકો છે કોણ? પછી તે સરકારી ભરતી હોય કે પછી ધોરણ 6ની પરીક્ષા હોય, કે અન્ય કોઈ પણ પરીક્ષા દરેક પરીક્ષામાં પેપર પર ગ્રહણ લાગી રહ્યું છે. જે બતાવી રહ્યું છે કે, આખરે ગુજરાતમાં શિક્ષણ મામલે મોટી ગોલમાલ ચાલી રહી છે. ગુજરાતમાં શિક્ષણ તંત્ર ખાડે ગયુ હોય તેવું લાગી રહ્યું છે. આખરે ધોરણ-6થી 8ના પેપર ચોરનારા આ અજાણ્યા શખ્સો છે કોણ? શું શિક્ષણ વિભાગ દ્વારા એક પેપર પણ સરખાઈથી સાચવી શકાતું નથી. પેપર ચોરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી થશે ખરી? તમામ સવાલો હાલ ઉભા થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *