ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ સક્રિય થઇ રહી છે. આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સોમવારે એટલે આજરોજ ગુજરાત પહોંચી રહ્યા છે, જ્યાં તેઓ મહેસાણામાં ‘તિરંગા યાત્રા(Tiranga Yatra)’ કાઢશે અને રોડ શો(Road show) કરીને ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંકશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તાધારી ભાજપ(BJP) અને વિરોધ પક્ષ કોંગ્રેસ(Congress)ના વિકલ્પ તરીકે પોતાને રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.
પંજાબની ચુંટણી જીતવાની સાથે સીએમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું સમગ્ર ધ્યાન ગુજરાત ચૂંટણી પર છે. છેલ્લા ત્રણ મહિનામાં કેજરીવાલની આ ચોથી ગુજરાત મુલાકાત છે. કેજરીવાલની આ મુલાકાત ઉત્તર ગુજરાતના મહેસાણામાં એવા સમયે થઈ રહી છે જ્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. મહેસાણા પાટીદાર સમાજનો ગઢ ગણાય છે અને હાર્દિક પટેલનો દબદબો પણ આ વિસ્તારમાં છે.
આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15 મેથી શરૂ થયેલી આમ આદમી પાર્ટીની ‘પરિવર્તન યાત્રા’ હવે મહેસાણામાં પૂરી થઈ રહી છે. રાજ્યના વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. આ યાત્રા દ્વારા AAP કાર્યકર્તાઓ અને નેતાઓએ લોકો સુધી પહોંચવાનો અને તેમની પાર્ટીની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા 6 જૂને એટલે કે આજરોજ સમાપ્ત થઈ રહી છે. જેનો સમાપન કાર્યક્રમ રાજ્યના મહેસાણા શહેરમાં રાખવામાં આવ્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલ ખુદ ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં આ બીજી ‘તિરંગા યાત્રા’ છે, જેમાં કેજરીવાલ ભાગ લેશે. આ પહેલા કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન સિંહે 2 એપ્રિલે અમદાવાદમાં પોતાનો પહેલો રોડ શો કર્યો હતો. આ પછી, ગુજરાતમાં ચૂંટણીના માહોલને પોતાની તરફ ખેંચવા માટે આમ આદમી પાર્ટીએ 15 મેથી પરિવર્તન યાત્રા શરૂ કરી હતી, જે ગુજરાતની તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થઈને મહેસાણામાં પૂર્ણ થઈ રહી છે.
અમદાવાદ બાદ કેજરીવાલ 11 મેના રોજ ગુજરાતના રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અગાઉ 1 મેના રોજ, BTP વડા છોટુ વસાવા સાથે, ગુજરાતના આદિવાસી-મુસ્લિમ બહુલ વિસ્તાર ભરૂચમાં ‘આદિવાસી સંકલ્પ મહાસંમેલન’ને સંબોધિત કર્યું હતું. સાથે જ હવે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો રાજકીય આધાર મજબૂત કરવા મહેસાણા વિસ્તારની પસંદગી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત પ્રદેશના રાજકારણમાં ખેડૂતો, પાટીદારો, ઓબીસી અને આદિવાસીઓ મહત્વની ભૂમિકા ભજવે છે. પાદીદાર આંદોલનની સૌથી વધુ અસર આ વિસ્તારમાં પડી છે. પાટીદાર આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલે હવે ભાજપમાં પ્રવેશ કર્યો છે. ગુજરાતના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પણ આ વિસ્તારમાંથી આવે છે અને તેઓ પણ ભાજપમાં સામેલ છે. ઉત્તર ગુજરાતના બંને ભાજપ વિરોધી ચહેરાઓએ કોંગ્રેસ છોડી દીધી છે, જેના કારણે આમ આદમી પાર્ટી પોતાનો ગઢ જમાવવા આતુર છે.
અરવિંદ કેજરીવાલ ઉત્તર ગુજરાતના મહેસાણામાં રેલી દ્વારા પાટીદાર અને ઓબીસી મતો મેળવવાની રણનીતિ છે. આ વિસ્તારમાં રોજગાર અને શિક્ષણનો મુદ્દો રહ્યો છે, જેને આમ આદમી પાર્ટી રાજકીય હથિયાર બનાવી રહી છે. ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, રાજ્યની જનતા સમજદાર છે અને કોણ કઈ પાર્ટીમાં જાય છે. રાજ્યના લોકોને તેનાથી કોઈ ફરક નથી પડતો.
તેમણે વધુમાં કહ્યું છે કે, ગુજરાતના લોકો તેમના સારા શિક્ષણ અને સારા સ્વાસ્થ્ય વિશે વિચારે છે. જેમ કે આમ આદમી પાર્ટી જનતાના હિત માટે સારા સ્વાસ્થ્ય અને સારા શિક્ષણ માટે કામ કરી રહી છે. તેવી જ રીતે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાતની જનતા અમારી પાર્ટી સાથે ઉભી રહેશે. ગોપાલે કહ્યું કે જો હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા તો શું લોકોને સારું શિક્ષણ મળશે? શું તમને સારું સ્વાસ્થ્ય મળશે? મોંઘવારીમાંથી પસાર થઈ રહેલા લોકોને મળશે રાહત? જો તે ન મળે તો લોકોને શું ફરક પડે છે કે હાર્દિક પટેલ ભાજપમાં જાય કે બીજે કઈ પણ? લોકોને તેમનો હક મળશે ત્યારે ફરક પડશે અને તે હક અને અધિકાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જ આપી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.