પાવાગઢ ‘માં મહાકાળી’ની શક્તિપીઠના દર્શન માત્રથી પૂરી થઇ જાય છે તમામ મનોકામના- વાંચો અનેરો ઈતિહાસ

ભારત (India) દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત (Gujarat) રાજ્યના પંચમહાલ (Panchmahal) જીલ્લામાં આવેલા હાલોલ (Halol) નજીક આવેલો એક ડુંગર છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિર (Mahakali Mata Mandir)ને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે.

પાવાગઢના ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીનો સમાવેશ 51 શક્તિપીઠોમાં થાય છે. 51 શક્તિપીઠોમાંની ગુજરાતમાં મુખ્ય ત્રણ શક્તિપીઠો આવેલી છે. જેમાં અંબાજી ખાતે માં અંબા બિરાજે છે, બહુચરાજી ખાતે માં બહુચર, તો પાવાગઢના ડુંગર પર માં મહાકાળી બિરાજમાન છે. ચાંપાનેરથી ૫ કિલોમીટર જેટલા અંતરે માંચી નામનું ગામ આવેલું છે. માંચીથી ભક્તો માટે રોપ વે ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે ભક્તોને ડુંગર ન ચડવા હોય તે ઉડન ખટોલા દ્વારા માતાજીના મંદિરે સીધા દર્શન કરી શકે છે. ઘણા સાહસિક પ્રકૃતિ પ્રેમીઓ ચાંપાનેરથી માંચી સુધી જંગલના રસ્તે ડુંગર પર ચઢાણ કરે છે. આ રસ્તો જંગલ વચ્ચેથી પસાર થતો હોવાથી કપરો છે તેમજ સંધ્યાકાળ બાદ ચઢાણ કરવા માટે હિતાવહ પણ નથી.

પાવાગઢમાં દૂધિયું, છાસિયું અને તેલીયું એમ ત્રણ તળાવો પણ આવેલા છે. મંદિરના ગર્ભગૃહમાં પહોચતા જ ભક્તોને માતાજીના વિશાલ નેત્રદ્વારી માં મહાકાળીના દર્શન થાય છે. અહીં મંદિરમાં માં કાલિકા યંત્રની સ્થાપના પણ કરવામાં આવી છે. મંદિરમાં માંના ચાર સ્વરૂપોના દર્શન થાય છે. મંદિરના ગર્ભગૃહની વચ્ચે માંનું મૂળ રૂપ, તો જમણી બાજુ પ્રતિમા સ્વરૂપ મહાકાળી માં, ડાબી બાજુ બહુચર માં અને તેમની પાસે લક્ષ્મી માં બિરાજમાન છે. સતી સ્વરૂપને ભગવાન વિષ્ણુના ચક્રથી 51 ટુકડા થયા, ત્યારે સતીના જમણા પગની આંગળી અહિયાં પડી હતી. તેથી આ જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ છે.

ગરુડ પુરાણ મુજબ પાવાગઢ અને તેની આસપાસના ડુંગરો પર ઋષિ વિશ્વામિત્રનું સાધના ક્ષેત્ર હતું. વિશ્વામિત્ર ઋષીએ તેમના તપ બળથી આ પાવાગઢની ખીણમાં પોતાની શક્તિઓ વહાવીને ટોચ પર સ્વ હસ્તે કાલિકા માતાની સ્થાપના કરી હતી. આ કથાની સાબિતી પુરતી વિશ્વામિત્રી નદી પાવાગઢના ડુંગરોમાંથી આજે પણ ખળખળ વહે છે. પાવાગઢના ડુંગરની રચના સદીઓ પહેલા જ્વાળામુખીથી થયેલી છે. આ ડુંગર જેટલો બહાર દેખાઈ છે, તેનાથી ત્રણ ગણો જમીનની અંદર રહેલો છે. જમીન પર ડુંગરનો જેટલો ભાગ દેખાઈ છે, તે ડુંગરનો માત્ર પા ભાગ જ છે. તેથી આ ડુંગરનું નામ પાવાગઢ પડ્યું છે.

ચાંપાનેરને 2004માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સ્થાનોમાં સમાવવામાં આવ્યું છે. 9મી સદીમાં ગુજરાતના રાજા વનરાજ ચાવડાએ તેમના મંત્રી ચાંપાની યાદમાં ચાંપાનેર વસાવ્યું હતું. દેવી ભાગવતના 5માં સ્કંધથી ઉલ્લેખ મળે છે કે શુભ મીશુમ્ભ નામના અસુરોએ બ્રહ્માજી પાસેથી કોઈ પુરુષ તેમનો વધ ન કરી શકે તેવું વરદાન મેળવી ત્રણેય લોક પર તેમનું આધિપત્ય જમાવ્યું હતું. ત્યારે દેવતાઓએ મદદ માટે દેવી જગદંબાને પ્રાથના કરી. દેવી જગદંબાના કોસમાંથી દેવી કૌશિકીનું પ્રાગટ્ય થયું. અતિ સ્વરૂપા કૌશિકી જગદંબાના શરીરમાંથી નીકળી જવાના કારણે શરીર કાળું પડી ગયું હતું. આ કાળા રૂપના લીધે જ દેવી કાલિકા રૂપે પ્રસિદ્ધ થયા.

વર્ષો પહેલા પાવાગઢ અને ચાંપાનેરમાં પતય કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતય કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રૂપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતય રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. પતય રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *