સુરતમાં સવાણી પરિવાર દ્વારા સામાજિક ક્રાંતિની અનોખી પહેલ – પુત્રવધુએ સાસુમાનાં કર્યા અગ્નિસંસ્કાર

સુરત(ગુજરાત): સાસુ-વહુ, દેરાણી-જેઠાણી આ સંબધો યાદ કરો એટલે મોટાભાગે દ્વેષ, કલેશ અને કકળાટનો કર્કશ ધ્વનિ સાંભળવા મળે છે. પરંતુ, દરેક જગ્યાએ આ વાત સાચી નથી પડતી. સુરત(Surat)ના સેવા અને સામાજિક ક્રાંતિમાં અગ્રેસર રહેતા સવાણી પરિવારે(Savani family) આ બંને સંબંધોમાં એક નવો જ આયામ રચ્યો છે. સામાજીક પ્રસંગોમાં સમાજને નવી રાહ ચીંધતો પરિવાર દુઃખદ ઘડીએ પણ સમાજને નવી રાહ ચીંધવાનું ભૂલ્યો નથી. આજે સવાણી પરિવારના વસંતબેન સવાણી(Vasantben Savani)નું અવસાન થતા અગ્નિદાહ પુત્રવધુએ આપ્યો હતો.

સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીના સગા ભાઈ માવજીભાઈ સવાણી (એલ.પી. સવાણી ગ્રુપ)ના ધર્મપત્ની વસંતબેન સવાણીનું આજે અવસાન થયું છે. આમ, સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે પુત્રને પ્રાથમિકતા આપવામાં આવે છે. જો કે, સામાજિક પરિવર્તનના પવનને કારણે દીકરીઓ હવે અવારનવાર અગ્નિસંસ્કાર કરતી જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય પુત્રવધૂએ તેની સાસુના અંતિમ સંસ્કાર કર્યા એવું સાંભળ્યું છે?

આ અકલ્પનીય બાબત સવાણી પરિવારમાં વાસ્તવિકતા બની છે. છેલ્લા ઘણા દિવસોથી વસંતબેન માવજીભાઈ સવાણીની સેવા કરતા તેમના પુત્રવધૂ પૂર્વી ધર્મેશભાઈ સવાણી સ્મશાન સુધી પહોંચ્યા હતા અને પુત્રએ પણ સાસુમાની તમામ વિધિઓમાં સમાન રીતે ભાગ લીધો હતો અને અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. સાસુમાના અંતિમ સંસ્કાર થતાં જ પૂર્વીબેન ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યા હતા. સવાણી પરિવારે પુત્રવધૂને પુત્રનો હક આપી સામાજિક ક્રાંતિનો દાખલો બેસાડ્યો છે.

વસંતબેનના અવસાનના થોડા સમય પહેલા વસંતબેન માવજીભાઈ સવાણીનું લીવર ફેઈલ થતા અમદાવાદમાં સારવાર હેઠળ હતા. તે સમયે નફરત અને દ્વેષના સંબંધમાં અવ્વલ કહેવાતા દેરાણી જેઠાણીના સંબંધનું એક લાગણીશીલ પ્રકરણ અહીં રચાયું હતું. જેઠાણી વસંતબેનનો જીવ બચાવવા તેમના દેરાણી શોભાબેન હિંમતભાઈ સવાણીએ લીવરનું દાન કર્યું હતું. નસીબજોગે તેમ છતાં વસંતબેનને બચાવી શકાયા ન હતા. પરંતુ, આ ઘટનાએ તેમની વચ્ચે એક નવો અને મધુર સંબંધ સ્થાપિત કર્યો.

આ ઉપરાંત, મહત્વની વાત એ છે કે વસંતબેનના અગ્નિસંસ્કારમાં લાકડાની જગ્યાએ ઇલેક્ટ્રિક અગ્નિદાહ કરી પર્યાવરણનું પણ જતન કરવામાં આવ્યું હતું. આમ તો ઘણા વર્ષોથી સવાણી પરિવાર શૈક્ષણિક, હોસ્પિટલ તેમજ સામાજીક કાર્યોમાં અગ્રેસર રહેતા આવ્યા છે. એલ.પી.સવાણી ગ્રુપ, પી.પી.સવાણી ગ્રુપ જેવી અનેક સંસ્થાઓ થકી આજે પણ સવાણી પરિવાર અનેક સામજિક કાર્યો કરે છે. સવાણી પરિવારના પૂર્વજો થકી આવનાર નવી પેઢીમાં પણ આવા સંસ્કરોનું સિંચન અવિરત પણે થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *