સુરત(SURAT): કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે ઉધના-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ને લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉધના-બનારસ ટ્રેન આજે તા.૪ થી ૧૦:૩૦ કલાકે ઉધનાથી રવાના થઈ છે, અને ૦૫ ઓક્ટો.ના રોજ બપોરે ૧.૪૫ વાગ્યે બનારસ પહોંચશે. તેની નિયમિત સેવામાં, ટ્રેન નંબર ૨૦૯૬૧ ઉધના-બનારસ સુપરફાસ્ટ (સાપ્તાહિક) એક્સપ્રેસ ઉધનાથી દર મંગળવારે ૦૭.૨૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૧૦.૫૦ કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન ૧૧ ઓકટોબરથી નિયમિત દોડશે.
એ જ રીતે, ટ્રેન નંબર ૨૦૯૬૨ બનારસ-ઉધના સુપરફાસ્ટ (સાપ્તાહિક) એક્સપ્રેસ બનારસથી દર બુધવારે સાંજે ૫.૫૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે ૮.૩૫ વાગ્યે ઉધના પહોંચશે. આ ટ્રેન ૫ ઓક્ટોબરથી નિયમિત દોડશે. આ ટ્રેન વડોદરા, રતલામ, નાગદા, ઉજ્જૈન જં, મસી જે., શાજાપુર, બ્યાવરા રાયગઢ, રૂઠિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, માલનપુર, સોની, ભીંડ, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશન પર રોકાશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ઉધના-સુરતથી પૂર્વાંચલ સુધીની વધારાની ટ્રેન સેવાની લોકોની માંગ અને રજૂઆતને સંતોષતા પશ્ચિમ રેલ્વેએ આ નવી ટ્રેન સેવા શરૂ કરી છે. સુરતથી બનારસની નવી ટ્રેનના કારણે પ્રવાસન, શિક્ષણ અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન મળવા સાથે રોજગારીની તકો સર્જાશે. ટ્રેન કનેક્ટિવિટી વધતા આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે. ઉધના એ સુરત શહેરનું મહત્વનું આર્થિક- વ્યાપારી ગતિવિધિનું કેન્દ્ર છે. સુરતમાં કાપડ અને હીરા બંને ઉદ્યોગો પૂરઝડપે વિકસ્યા છે, જેનાથી રોજગારના નવા અવસર પેદા થયા છે. સમગ્ર દેશમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશના પૂર્વાચલ પ્રદેશનો કાપડ ઉદ્યોગ સુરતના કાપડ ઉદ્યોગ પર નિર્ભર છે.
વધુમાં રેલવે રાજ્યમંત્રીએ જણાવ્યું કે, બનારસ સુધીની ટ્રેન સેવા શિક્ષણ, રોજગાર, તીર્થયાત્રાના યાત્રી-પ્રવાસીઓ માટે મુસાફરી કરતા લોકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. વડાપ્રધાનશ્રીએ મિની ભારત સુરત શહેરને નવરાત્રીના પાવન અવસરે કરોડોના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે, એવી જ રીતે રેલ્વે ક્ષેત્રને પણ આધુનિક અને નવી ટ્રેન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, દેશના સર્વાંગી વિકાસમાં રેલ્વે મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પશ્ચિમ રેલ્વે મેલ-એક્સપ્રેસ ટ્રેનો જેમાં રાજધાની, શતાબ્દી, હમસફર, દુરંતો, તેજસ રેક સાથેની ડબલ-ડેકર એક્સપ્રેસ તેમજ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજ્યોમાં IRCTC(ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન) દ્વારા સંચાલિત ખાનગી તેજસ એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનો અને સેવાઓ પૂરી પાડી રહી છે. તાજેતરમાં, ગાંધીનગર કેપિટલ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે સ્વદેશી સેમી-હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે, જેનાથી મુસાફરોને આહ્લાદક અને અનોખી મુસાફરીનો લ્હાવો મળશે.
આ પ્રસંગે ધારાસભ્ય ઝખનાબેન પટેલ, PAC(પેસેન્જર એમેનિટીઝ કમિટી)માં સભ્ય છોટુભાઇ પાટીલ, પ.રેલ્વેના ડિવિઝનલ રેલ્વે મેનેજર જી.વી.એલ. સત્યકુમાર, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત તેમજ ઉધના રેલવે સ્ટેશનના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.