Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)ના આંગણે પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. ત્યારે આ પ્રમુખસ્વામી નગરમાં 8 વર્ષનો અથર્વ સોલંકી(Atharva Solanki) પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં બાળ સેવક તરીકે સેવા આપી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, પ્રમુખસ્વામી નગરમાં બનાવવામાં આવેલ અક્ષરધામ અને ટેલેન્ટ મંચ પર ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના મુખપાઠ કરેલા શ્લોકની રજુઆત કરે છે.
મહત્વનું છે કે, 1 જાન્યુઆરી 2023ના રોજ અથર્વએ સાત વર્ષ પુરા કરી આઠમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. આમ તો બાળકો આવનારો જન્મદિવસ ક્યાં ઉજવવો તે એક વર્ષ પહેલા જ નક્કી કરી લેતા હોય છે અને માતા-પિતાને કહી દેતા હોય છે. ત્યારે અથર્વ દ્વારા 2023નો જન્મદિવસ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરિવાર, સ્વયંસેવકો અને મુલાકાતી બાળકો સાથે ભગવાનને ધરવામાં આવેલી કેક કાપી તેના દ્વારા આઠમાં જન્મદિવસની ઉજવણી પ્રમુખસ્વામી નગરમાં જ કરવામાં આવી હતી.
અથર્વના પિતા મૌલિકભાઈએ જુઓ શુ કહ્યું ?
અથર્વના પિતા મૌલિકભાઈ જણાવતા કહે છે કે, અથર્વના અત્યારસુધીના જન્મદિવસ વિવિધ મંદિરોમાં જ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ગોંડલ, સારંગપુર અને રાજકોટ સહિતના મંદિરોમાં જન્મદિવસની ઉજવણી કરી ચુક્યા છીએ. નાનકડો અથર્વ જણાવે છે કે, ‘ગયા વર્ષે મેં મારા બર્થડે પર મમ્મી-પપ્પા પાસે રમકડાં કે બીજી કોઈ ગિફ્ટ નહીં પણ ભગવાનની મૂર્તિ માંગી હતી, અને હું આજે પણ ઠાકોરજીની નિત્ય સેવા કરી રહ્યો છું’ , જણાવી દઈએ કે, અથર્વ નિત્ય વહેલી સવારે 5.30 વાગ્યે જાગીને ઠાકોરજીને જગાડી, વાઘા ધરાવી, થાળ સહિતની નિત્યસેવા કરે છે. એટલું જ નહીં માતા-પિતા અને દાદા-દાદીના આશીર્વાદ લઈ પોતાના શુભ દિવસની શરૂઆત કરે છે.
અથર્વના મુખમાંથી પહેલો શબ્દ ‘બાપા’ નીકળ્યો:
અમે તમને જણાવી દઈએ કે, અથર્વના વર્તન અને વિચારમાં ભક્તિભાવના મૂળમાં સત્સંગના સંસ્કારનું સિંચન અને બાળસભા તથા ઘરસભાનો મોટો ફાળો રહ્યો છે. અથર્વના માતા દેવાંગીબેન જણાવતા કહે છે કે, અથર્વના મુખમાંથી પ્રથમ શબ્દ ‘બાપા’ નીકળ્યો હતો’. પ્રેગનેન્સી વખતે મેં આપણા ધર્મશાસ્ત્રો અને ખાસ કરી BAPS સંસ્થાનું ગર્ભ સંસ્કાર પુસ્તક વાંચ્યું હતું. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, આધુનિક સમયમાં પણ અભિમન્યુની જેમ ગર્ભસંસ્કાર થકી બાળકને શ્રેષ્ઠ જીવન માટે સજ્જ કરી શકાય તેની સાબિતી પણ સમગ્ર પરિવારને અથર્વના જીવનમાંથી મળી છે.
વધુમાં જન્મદિવસની મંદિરોમાં ઉજવણીનો વિચાર ક્યાંથી આવ્યો તે બાબતે જયારે મૌલિકભાઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવતા કહ્યું હતું કે, આવી પ્રેરણા અમને ઘરસભા થકી મળી છે. દર મંગળવારે માત્ર મેહુલભાઈનો પરિવાર નહીં પણ અન્ય 6 પરિવારના કુલ 40 સભ્યો કે સબંધીઓ ઓનલાઈન માધ્યમથી ઘરસભા કરે છે. આ રીતે અત્યારસુધીમાં અંદાજે 120 ઘરસભા થઈ ચૂકી છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ઘરસભાને કારણે પરિવારના બાળકોમાં અત્યારથી જ સુહ્રદભાવ અને આત્મીયતાનો નાતો બની ગયો છે. આમ, ઘરસભાથી ભાવિપેઢીમાં પણ સંપ, સુહ્રદભાવ અને એકતાના ભાવ રહેશે તે પ્રકારની અમને ખાતરી છે.
ઘરસભા થકી પૌત્ર બની ગયો મિત્ર:
વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, ઘરસભાને કારણે દાદા બીપીનભાઈ સોલંકી પણ અત્યંત ખુશ છે કારણ કે, અથર્વ તેમનો પૌત્ર હોવાની સાથોસાથ મિત્રની જેમ પણ વર્તન કરે છે. જેના કારણે ઘરમાં જનરેશન ગેપ જેવું થોડું પણ લાગતું નથી. અને ઘરસભા થકી ભવિષ્યમાં પણ જનરેશન ગેપ નહીં રહે તેવી અમને ખાતરી છે. આમ, પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આપવામાં આવેલું સબ દર્દો કી એક દવા- ઘરસભાનું સૂત્ર માત્ર દર્દ થયા બાદ જ નહીં પરંતુ કોઈ દર્દ, વ્યસન, દુષણથી ઘર અને પરિવાર માટે રક્ષા કવચ સમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ‘તૂટે હૃદય, તૂટે ઘર’ પ્રદર્શનમાં પણ ઘરસભા થકી પરિવારના સભ્યો વચ્ચે પડેલી તિરાડ કેવી રીતે દૂર કરી શકાય તેની સચોટ અને જોરદાર રજુઆત કરવામાં આવી છે. પ્રતિદિન હજારો લોકો આ પ્રદર્શન નિહાળી ‘ઘરસભા’ કરવાનો સંકલ્પ લઈને અહિયાંથી વિદાય લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.