Uttarayan Festival 2024: ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પર્વને અનુરૂપ ચીજવસ્તુઓનું બજારોમાં આગમન થયું છે. ઉત્તરાયણ( Uttarayan Festival 2024 ) પર્વમાં અબાલ-વૃધ્ધ સૌ પતંગ ચગાવવાની મજા મણતા હોય છે ત્યારે ચાલુ વર્ષે રો-મટીરીયલ તેમજ મજૂરીમાં વધારો થતા પતંગ-દોરીના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો ભાવવધારો નોંધાયો છે.
આ વર્ષે પતંગના ભાવમાં થશે વધારો
આણંદ જિલ્લાનું નવાબી નગર ખંભાત પતંગો માટે દેશવિદેશમાં પ્રખ્યાત છે ત્યારે ખંભાતના પતંગ ઉદ્યોગમાં ૧૫૦૦થી વધુ ચુનારા પરિવારો સહિત ૪૦,૦૦ જેટલી મહિલાઓ સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે. ખંભાત ખાતે તૈયાર થતી કરોડો રૂપિયાની ખંભાતી પતંગોની નિકાસ ગુજરાત સહિત અન્ય રાજ્યો તેમજ વિદેશમાં પણ થાય છે. જો કે ખંભાતનો પતંગ ઉદ્યોગ વર્ષના ૯ મહિના ચાલે છે. માત્ર ચોમાસના ત્રણ મહિના દરમ્યાન વરસાદને પગલે પતંગ નિર્માણ કાર્ય બંધ રહેતું હોય છે. જો કે આ વર્ષ પતંગના રો મટીરીયલના ભાવમાં વધારો થવાથી આ વર્ષ ઉતરાયણ મોંઘી બનશે તેવું પતંગ વ્યવસાયકારોનું કહેવું છે.
ખંભાતી પતંગ અલગ-અલગ સાત જગ્યાએ ફર્યા બાદ તૈયાર થાય છે
કારીગરોના જણાવ્યા મુજબ ખંભાતી પતંગ અલગ-અલગ સાત જગ્યાએ ફર્યા બાદ તૈયાર થાય છે. જેમાં સૌથી પહેલા કાગળ કટીંગ થાય છે. ત્યારબાદ કટીંગ કરેલા કાગળોને અલગ-અલગ ડિઝાઈન ચોંટાડી પતંગનું કાગળ બને છે વચ્ચે કરોડરજ્જુ સમાન ઢઢ્ઢો લગાવાય છે પછી કમાન ચોંટાડાય છે અને ત્યારબાદ પતંગની ચારે તરફ દોરી મારવામાં આવે છે. કિનારીઓ ચોંટાડી ફિનિસીંગ કરાયા બાદ પટ્ટીઓ અને અંતે ફુમતા લગાવાય છે. આમ, સાત જગ્યાએ અલગ-અલગ કારીગરો પાસેથી ફર્યા બાદ એક પતંગ તૈયાર થાય છે. પતંગની બનાવટમાં વપરાતા વાંસની ખરીદી આસામથી કરવામાં આવે છે. જેમાં ૧૫ ટકાનો ભાવવધારો થયો છે સાથે સાથે કાગળના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. જેને લઈ ચાલુ વર્ષે પતંગોના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે. ખંભાતી પતંગ બનાવવામાં વપરાતો જીલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકુળ હોઈ તેમજ વાંસનું ફીનીસીંગ પણ ઉત્કૃષ્ટ હોઈ પતંગ આકાશી ઉડાનમાં ફેઈલ જતો નથી.
વિવિધ ભાતની પતંગ ત્યાર કરવામાં આવે છે
ખંભાતની પતંગો આણંદ, નડિયાદ, વડોદરા ઉપરાંત ભાવનગર, અમદાવાદ, સુરત, વલસાડ, જંબુસર, ભરૂચ, રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ નિકાસ પામે છે. ખંભાતના ઉત્પાદકો વર્ષે રૂા.૫ કરોડથી વધુ પતંગોનું હોલસેલ તેમજ રીટેલ વેચાણ કરતા હોય છે. પર્વ નજીક આવતા ખંભાત ખાતે રાજ્યભરમાંથી પતંગરસિકો સહિત વેપારીઓ ખરીદી માટે ઉમટતા હોય છે. જેને લઈ હાલ પતંગોની ખરીદી ખંભાતમાં તેજ બની છે. ખંભાત ખાતે બે ઈંચથી લઈ ૮ ફૂટ સુધીના પતંગો બનાવવામાં આવે છે. સાથે સાથે ગૃહ સજાવટ, ભેટ તથા સુશોભનમાં વપરાતી ટચુકડી પતંગોની પણ માંગ રહેતી હોય છે. ખંભાતી પતંગ સમગ્ર ગુજરાતમાં પતંગ રસિકોની પહેલી પસંદ છે અને સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. જોકે, આ વર્ષે પતંગના રો મટીરીયલના ભાવમાં વધારો થવાથી ઉત્તરાયણ મોંઘી બનશે તેવું પતંગ વ્યવસાયકારોનું કહેવું છે.