લસણના ભાવ પહોંચ્યા આસમાને: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જૂના લસણના એક કિલોનો 400-500 ભાવ બોલાયા…

Garlic Price Hike: ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવા બાદ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો હાલ નથી મળી રહ્યાં. એવામાં બીજી તરફ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજકોટ સહિતના યાર્ડમાં એક કિલો લસણના ભાવ 400થી 500 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે.આ સાથે જ બટાકાની પણ આવક જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં(Garlic Price Hike) ક્યાં પાકની કેટલી આવક થઈ છે અને શું ભાવ બોલાયા છે તે અંગે જાણીએ.

વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થતી નથી
પ્રાપ્ત વિગત અનુસાર, ચાલુ વર્ષે વાતાવરણમાં આવેલા ફેરફારો તેમજ કમોસમી વરસાદને કારણે હાલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થતી નથી. જોકે લસણ જીવન જરૂરી વસ્તુ હોવાથી એની માગ યથાવત્ રહી છે, જેના કારણે ખેડૂતોને જૂના લસણના સારા ભાવ મળી રહ્યા છે. રાજકોટ સહિતના યાર્ડમાં એક કિલો લસણના ભાવ 400થી 500 રૂપિયા સુધીના જોવા મળ્યા છે. જ્યારે સારી ક્વોલિટીનું એક કિલો લસણ 500 કરતાં વધુ કિંમતે વેચાઈ રહ્યું છે. એવામાં છૂટક બજારમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે.

જૂના લસણના ભાવમાં વધારો
ગયા વર્ષે લસણનું પાક ખૂબ ઓછો થયો હતો અને સારું લસણ બજારમાં ઓછું આવ્યું હતું જેના કારણે આ લસણનો ખેડૂતોને સારો એવો ભાવ મળ્યો હતો અને ખેડૂતોએ સારો ભાવ મળતા મોટા ભાગના ખેડૂતોએ લસણ વેચી નાખ્યું હતું. જેના કારણે ફેબ્રુઆરી મહિના સુધીમાં સંપૂર્ણ લસણ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે જૂનું લસણ પૂર્ણ થઈ જવાના કારણે હવે જે લસણ બચ્યું છે આ લસણના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે લસણના ભાવમાં કોઈ કૃત્રિમ મંદી કે તેજીની વાત નથી પરંતુ દર વર્ષે જૂનું લસણ માર્ચ અને એપ્રિલ મહિના સુધી ચાલતું હોય છે પરંતુ આ વર્ષે જૂનું લસણ પૂર્ણ થઈ ગયું છે જેના કારણે તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

દેશના મોટાભાગના યાર્ડમાં લસણની આ સ્થિતિ
ઉલ્લેખનીય છે કે રાજકોટ યાર્ડમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં લસણની આયાત થાય છે. એવામાં દેશભરમાં આ બંને રાજ્યોમાંથી વધુ પ્રમાણમાં લસણ વધુ પ્રમાણમાં જાય છે. એવામાં આ વર્ષે આ રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થયું છે. જેના કારણે ત્યાંથી લસણ જોઈએ એટલા પ્રમાણમાં રાજકોટ સહિતના યાર્ડમાં આવી રહ્યું નથી. બીજી તરફ લસણની માંગ વધી છે અને બજારમાં લસણનો પુરવઠો ઘટ્યો છે જેના કારણે લસણના ભાવ વધ્યા છે. રાજકોટ યાર્ડ સહિતના રાજ્યના અલગ અલગ યાર્ડમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.

તુવેર અને પીળા ચણાની આવક વધી
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે તુવેરની 2,400 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને તુવેરના 1,890થી 2,095 રૂપિયા ભાવ મળી રહ્યો છે. પીળા ચણાની વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં પીળા ચણાની 1000 ક્વિન્ટલ આવક થઈ છે. પીળા ચણાનો ખેડૂતોને 1,000થી 1,180 રૂપિયા ભાવ મળ્યો હતો.

ડુંગળીએ ખેડૂતોને કર્યા નિરાશ
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ હતી.આજે માર્કેટ યાર્ડમાં 2 હજાર 200 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં આજે ડુંગળીના ભાવ ખુબ જ ઓછા મળી રહ્યાં છે. યાર્ડમાં ડુંગળીના 140થી 260 રૂપિયા જ ભાવ મળ્યો હતો. ખેડૂતોને આશા હતી કે તેઓને ડુંગળીના સારા ભાવ મળશે. પરંતુ આજે ફરી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી.

નવું ઉત્પાદન હજુ યાર્ડમાં આવ્યું નથી
રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે રાજકોટનું યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે. ત્યારે અહીં 20 કિલો લસણના 5000થી 7000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. હાલમાં લસણની સીઝન પૂર્ણ થઈ છે અને નવું ઉત્પાદન હજુ યાર્ડમાં આવ્યું નથી, જેના કારણે આ ભાવ મળી રહ્યા છે. જ્યારે રાજકોટ યાર્ડ ખાતે 15થી 20 દિવસ પહેલાં 2-3 હજાર ગૂણી લસણની આવતી હતી, પરંતુ હવે માત્ર 200થી 300 જૂના લસણની ગૂણી આવી રહી છે.