રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: TRP ગેમઝોનના માલિકની થઇ ધરપકડ, અન્ય 5 સામે FIR

Rajkot Gamezone Fire: રાજકોટમાં ગઈકાલે સર્જાયેલી દુર્ઘટનાથી આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગતા 28 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, આ દુર્ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી ગુંજ્યા છે. આ દુર્ઘટના પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. તો આ ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા છે. તેઓએ જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

આ દુર્ઘટના(Rajkot Gamezone Fire) બાદ સૌથી મોટો સવાલ એ છે કે કોના કારણે 28 નિર્દોષોના ગયા જીવ? કોણે ઉભુ કર્યું આવું જોખમી ‘મોતનું ગેમ ઝોન’? ત્યારે TRP ગેમઝોનના માલિક-સંચાલકો સામે FIR નોંધાઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ગેમ ઝોનનો માલિક યુવરાજ સિંહ અને મેનેજર નિતિન જૈનની ધરપકડ
TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. આ અગ્નિકાંડ મુદ્દે પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની અટકાયત કરી છે.

ગિરીરાજસિંહ જાડેજા જમીનનો માલિકઃ સૂત્રો
રાજકોટ આગ્નિકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષો પહેલા જ્યાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યાં ખુલ્લો પ્લોટ હતો. આ જમીનનો મૂળ માલિક ગિરીરાજસિંહ જાડેજા છે. આ ગિરીરાજસિંહ પાસેથી જ યુવરાજસિંહ સોલંકી(TRPમાં 15 ટકા ભાગીદારી) એ પ્લોટ ભાડે લીધો અને સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગેમ ઝોન બનાવવાનો ખેલ શરૂ થયો હતો.

યુવરાજસિંહનો મહિનાનો 1 લાખ રૂપિયા પગાર હતો
રાજકોટ TRP ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન છે. જે મૂળ રાજસ્થાનનો વતની હોવાની માહિતી મળી છે. તો રાજકોટના યુવરાજસિંહ સોલંકીની TRPમાં 15 ટકા ભાગીદારી છે, સાથે જ તે દર મહિને 1 લાખ રૂપિયા પગાર પણ લેતો હોવાનું સામે આવ્યું છે. તો ગોંડલનો રાહુલ રાઠોડ નામનો યુવક પણ ભાગીદાર છે. જે વેલ્ડિંગ અને મેઈન્ટેનન્સનું કામ સંભાળતો હતો. હજુ સુધી પ્રકાશ અને રાહુલ પોલીસને હાથ લાગ્યા નથી. પોલીસે TRP ગેમ ઝોનના સંચાલય અને મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી તેમજ એક મેનેજરની ઘટનાસ્થળે જ ધરપકડ કરી લીધી હતી. આ સિવાય પણ ગેમ ઝોનમાં કામ કરતા કર્મચારીઓની પણ પોલીસે અટકાયત કરી છે.

યુવરાજસિંહના ભાગીદારોની શોધમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચ
TRP ગેમ ઝોનના માલિક કહો કે સંચાલક માત્ર યુવરાજસિંહ સોલંકી જ નથી. જાણકારોના મતે 10, 20, 30 પૈસાની ભાગીદારીમાં અન્ય કેટલાક લોકો પણ સામેલ છે. આ તમામ લોકોએ ભેગાં મળીને ખુલ્લા પ્લોટમાં કાચું સ્ટ્રક્ચર બનાવ્યું હતું, જેથી સરકારી મંજૂરીનો છેદ જ ઊડી ગયો. સમયાંતરે પાકું બાંધકામ કર્યું અને ભલભલાને આંજી નાખે એવો ગેમ ઝોન તૈયાર થઈ ગયો.

ગેમ ઝોનથી જ પોલીસ યુવરાજસિંહને ધક્કે ચડાવી લઈ ગઈ
શનિવારે સાંજે આગની દુર્ઘટનાએ ગંભીરરૂપ ધારણ કર્યું એ જ સમયે રાજકોટ ક્રાઇમબ્રાંચની ટીમ એક્ટિવ થઈ ગઈ હતી. પોલીસે TRP ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી તેમજ એક મેનેજરની ઘટનાસ્થળે જ ધરપકડ કરી લીધી હતી. આ સિવાય પણ ગેમ ઝોનમાં કામ કરતા કર્મચારીઓની પણ પોલીસે અટકાયત કરી છે.