સુરતમાં ડાયમંડ બુર્સ અષાઢી બીજથી થશે ધમધમતુ; 250થી વધુ ઑફિસોનું કરાશે ઑપનિંગ, સોમવારથી કારોબાર શરૂ

Diamond Bourse in Surat: વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સમાં અષાઢી બીજના દિવસે એક સાથે 250થી વધુ ઓફિસોનું ઑપનિંગ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ડાયમંડ બુર્સ(Diamond Bourse in Surat) આવવા માટે કતારગામ ગોધાણી સર્કલ અને મિની બજારથી દર દોઢ કલાકે બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળી સુધીમાં 1000 થી પણ વધુ ઓફિસ શરૂ થઈ જાય અમારી આખી ટીમને આત્મવિશ્વાસ છે.

આવતીકાલે ડાયમંડ બુર્ની 250થી વધુ ઓફિસનું ઉદ્ઘાટન
આ અંગે ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું કે, ગત ડિસેમ્બર મહિનામાં જ વડાપ્રધાન મોદીએ સુરતના ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતુ. આગામી 7 જુલાઈએ અષાઢી બીજનો દિવસ રથયાત્રાનો તહેવાર છે. આ પવિત્ર દિવસે એક સાથે 250થી વધુ ઑફિસોનું ઑપનિંગ થશે. જેના પગલે આખી ઈન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ છે.સોમવારથી ડાયમંડ બુર્સમાં મોટા પાયે વેપાર વેપારીઓ શરૂ કરી આગળ વધશે

500થી વધુ ઑફિસોમાં ફર્નીચરનું કામ ચાલી રહ્યું છે
અત્યારે 500થી વધુ ઑફિસોમાં ફર્નીચરનું કામ ચાલી રહ્યું છે. જેમ-જેમ ફર્નીચરનું કામ પૂરુ થતું જશે, તેમ-તેમ ઑફિસનું ઑપનિંગ કરવાના છીએ. આમ દિવાળી સુધીમાં 1 હજાર જેટલી ઓફિસ શરૂ થઈ જાય તેવો અમારી ટીમને વિશ્વાસ છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, કતારગામ ગોધાણી સર્કલથી અને મિની બજારથી એક બસ સવારથી દર દોઢ કલાકે ડાયમંડ બુર્સ આવવા માટે બસ મૂકાઈ ગઈ છે. રવિવારથી તે શરુ થઇ જશે અને ડાયમંડ બુર્સથી પણ રિટર્ન આવવા માટે દર દોઢ કલાકે વ્યવસ્થા છે. મને લાગે છે કે, આવતા સોમવાર પછી ડાયમંડ બુર્સમાં મોટાપાયે કારોબાર ધીમે ધીમે શરુ થશે.

3થી 5 હજાર લોકોની અવરજવર શરૂ કરવાનો પ્રયાસ
સુરત ડાયમંડ બુર્સ ફરી ધમધમતું કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં કતારગામ, મિની બજારથી સિટી બસ દોડાવાશે. તેમજ સિટી બસનું ભાડું ડાયમંડ બુર્સ ચૂકવશે. જેમાં દર કલાકે નોન સ્ટોપ બસ ચલાવામાં આવશે. 7 જુલાઈએ સુરત ડાયમન્ડ બુર્સનું રિ-ઓપનિંગ થશે. તેમજ 8 જુલાઈથી ‘ડાયમંડ બુર્સ રૂટ’ નામ હેઠળ બસ શરૂ થશે. સુરત મનપા ચાર ઈલેક્ટ્રિક બસ શરૂ કરશે. તેમાં 3થી 5 હજાર લોકોની અવરજવર શરૂ કરવાનો પ્રયાસ છે.