ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં ભારે વરસાદ

Gujarat Rain forecast: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક જિલ્લામાં આગામી 5 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સારા વરસાદના(Gujarat Rain forecast) પગલે સમગ્ર પંથકમાં લીલોતરી છવાઈ ગઈ છે.

આજે વહેલી સવારથી જિલ્લામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વહેલી સવારથી રાજ્યમાં 74 કલાકમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં 11 મીમી, વિજગરમાં 8 મીમી, હિંમતનગરમાં 8 મીમી, વડાલીમાં 6 મીમી, ઈડરમાં 4 મીમી, પ્રાંતિજમાં 2 મીમી વરસાદ વરસ્યો છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે મહત્તવનું છે કે, આજે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરવલ્લી સહીત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ
અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1 ઈંચ, બાયડમાં 8 મીમી અને મેઘરજમાં 3 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સતત કેટલાક દિવસથી સારો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે અરવલ્લી જિલ્લામાં 5 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

વડોદરામાં વરસાદી માહોલ
વડોદરા સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીના પગલે આજે ફરી એકવાર વડોદરા ખાતે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

શહેરના માંડવી, ફતેપુરા, ખોડિયારનગર, અલકાપુરી, કારેલીબાગ, સમા, ફતેહગંજ સહિતના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરુ થઇ ગયો છે. જેના કારણે નોકરિયાત વર્ગ તેમજ બાળકોને શાળાએ મુકવા જતા વાલીઓને રેઈનકોર્ટ પહેરીને ઘરેથી નીકળવું પડ્યું. આ સાથે જ અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.

મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો
રાજ્યનો સિઝનનો એવરેજ 61.93 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 75.77 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 85.94 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.51 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 44.40 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 43.86 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.