ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓને મેઘરાજાએ ધમરોળ્યા; જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

Gujarat Rain Updates: ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર એક્ટિવ થયા છે. વરસાદી સિસ્ટમો ગુજરાત તરફ આવતા રાજ્યભરમાં વરસાદી માહોલ બન્યો છે. જેમાં આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારેથી અતિભારે અને ક્યાંક અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે હવામાન વિભાગે(Gujarat Rain Updates) રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારના સવારના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ 12.8 ઈંચ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડના વાપી તાલુકામાં થયો છે. આ સિવાય વલસાડના કપરાડા (11.8 ઈંચ) અને પારડી (11.8 ઈંચ)માં અતિભારે વરસાદ થયો છે.

અમદાવાદમાં નોંધાયો આટલો વરસાદ
24મી તારીખે રાજ્યમાં 7 તાલુકાઓમાં 200mmથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 27 તાલુકા એવા છે કે જ્યાં 100mmથી વધારે વરસાદ નોંધાયો છે. 24મીએ રાજ્યના 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.અમદાવાદના કુલ 10 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ધોળકામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણાના 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વિજાપુરમાં સૌથી વધુ 8 ઈંચ કરતા વધુ વરસાદ થયો છે.

અત્યાર સુધીમાં 165 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતની ધરતી પર મેઘરાજા જાણે મહેરબાન થયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સવારે 6થી 4 વાગ્યા સુધી 165 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ઉમરપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વિજાપુરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. કપડવંજમાં 5 ઇંચ, માણસામાં 4 ઇંચ, ધરમપુરમાં 4 ઇંચ, છોટાઉદેપુરમાં 4 ઇંચ, ઉમરગામમાં પોણા 4 ઇંચ, પારડીમાં પોણા 4 ઇંચ, સોનગઢમાં પોણા 4 ઇંચ, વિસનગરમાં 3 ઇંચ, દહેગામમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું
ગુજરાતમાં શનિવારના વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વાપીમાં 13 ઈંચ, કપરાડા અને પારડીમાં 12 ઈંચ, ધરમપુરમાં 9 ઈંચ, વલસાડમાં 7.6 ઈંચ અને ઉમરગાંવમાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

મધુબન ડેમના આઠ દરવાજા 1.5 મીટરે ખોલાયા
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની મોટી આવક નોંધાઈ છે. ભારે વરસાદને કારણે મધુ બન ડેમમાં પાણીની આવક થતાં ડેમના આઠ દરવાજા 1.5 મીટરે ખોલીને 59,486 ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યુ છે. મધુબન ડેમની સપાટીમાં વધારો થયો છે અને ડેમની સપાટી 76.35 મીટરે પહોંચી છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ જોરદાર વરસતા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 74.68 ટકા વરસાદ
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં કુલ 74.68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 88.99, જ્યારે કચ્છમાં અત્યાર સુધીમાં 88.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમજ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 82.26 ટકા વરસાદ નોંધાયો છે આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં 59.22 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 55.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે