સપ્ટેમ્બરમાં ગુજરાતના આ જિલ્લાઓ મેઘતાંડવ માટે તૈયાર રહે, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

AmbalalPatel Rain Forecast: સપ્ટેમ્બર મહિનાના આરંભ સાથે શહેરમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતા છે. આગામી 2 સપ્ટેમ્બરથી 4 દિવસ સુધી શહેરમાં વરસાદી માહોલ જામતો જોવા મળી શકે છે, જેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં(AmbalalPatel Rain Forecast) ભારે વરસાદ પડશે. તેમજ આ દરમિયાન ઉપરાછાપરી સિસ્ટમો સર્જાશે અને તે દરમિયાન વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે.

ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલેયલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 31 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, 2 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદને પગલે ભાવનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

10મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે
સપ્ટેમ્બર મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં એટલે કે, 1 અને 2 તારીખે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાર બાદ સિસ્ટમ પર સિસ્ટમ બનશે અને 4 તથા 5 સપ્ટેમ્બરે વરસાદ થવાની શક્યતા રહેશે.

ભારે વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, 10મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે સ્થિતિ રહેશે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડશે. આવામાં હવે વરાપ ક્યારે નીકળશે તે ચિંતાનો વિષય છે. વિસ્તારો જળબંબાકર થતાં વરાપ થવામાં વાર લાગતી હોય છે.

ઓક્ટોબરમાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતા
હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યમાં આગામી 10 સપ્ટેમ્બર સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી 15 સપ્ટેમ્બર સુધી અને 23 સપ્ટેમ્બર પછી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. જો કે, સપ્ટેમ્બરના અંત સુધી અથવા ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે.