ફુલબાઈ માતાના આ ચમત્કારિક મંદિરમાં થાય છે સૌની મનોકામના પૂર્ણ; ખેડૂતોની જોડાયેલી છે ખાસ આસ્થા

Fulbai Jogni Mata Mandir: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લીંબોદરા ગામ ખાતે ભાગોળમાં શ્રી લાલબાઇ ફુલબાઈ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી ફુલબાઈ માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતીમામાં બિરાજમાન છે, આ મંદિર પ્રત્યે લોકોને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે અને તેથી જ લીંબોદરા ગામના એક જ પરિવારના પરિવારજનો વર્ષોથી સેવાપૂજા કરે છે. મંદિર(Fulbai Jogni Mata Mandir) ચારેબાજુ વૃક્ષોથી ઘેરાયેલુ છે. હરિયાળી વચ્ચે હોવાથી મંદિર ખૂબ આકર્ષક લાગે છે મંદિરના ઘુમ્મટ પર દિવસભર જે વડનો છાંયો આવે છે. તે વડનું અનેરું મહત્વ છે.

મંદિરની પૌરાણિક ગાથા
હાલ જે સેવા પૂજા કરે છે તેમના વડીલો વર્ષો પહેલા પડાલ ગામે ખરીદી કરવા નીકળ્યા હતા. સાંજે પરત આવતા હતા તે દરમિયાન જ્યાં બહારવટિયા, લોકોને લૂંટતા હતા ત્યાં વૃદ્ધ મહિલા એકલી જ સોના ચાંદીના દાગીના સાથે ભયભીત હતી.

ત્યારે ચમત્કારી રીતે અન્ય મહિલા લાકડાનો ભારો લઈ આગળ આગળ ચાલવા લાગી હતી. ભયભીત મહિલા ઘર સુધી પહોંચી ગઈ એટલે ચમત્કારી મહિલા ગાયબ થઈ ગઈ હતી. તે મહિલા સતવાડિયા વડેથી આવેલા મા ફુલબાઈ જોગણી હતા. માતાજીની ખુશી રોકાવાની હતી એટલે પરિવારજનોએ માતાજીને ઘરે બેસાડી અને તેમની હાલના મંદિર વાળી જગ્યાએ સેવાપૂજા શરૂ કરી હતી.

ચમત્કારિક છે આ મંદિર
મંદિરમાં માતાજીની કોઈ વિશેષ મૂર્તિ નથી પણ શીતળા માતાજીના સ્વરૂપે કાળા પથ્થરની એક મૂર્તિ મંદિરના ગોખમાં બિરાજમાન છે. સતવડિયા એટલે કે અહીં સાત વડ હતા. જ્યાં વચ્ચે માતાજી બિરાજમાન છે. સાત વડમાંથી આજે એક જ વડ બચ્યો છે. વડ કોઈએ કાપ્યા નથી. તમામ વડ આગ લાગતા એકબાદ એક વર્ષોના સમયગાળામાં લુપ્ત થયા છે. અંતીમ વડ હાલના હવનકુંડ એટલે કે માતાના સિંહ સ્થાન સામે જ છે. મંદિર સતવડીયા વિસ્તાર તરીકે વર્ષોથી ઓળખાય છે. હાલ આ મંદિર ચમત્કારી ફુલબાઈ માતા મંદિર તરીકે ઓળખ પામ્યું છે.

નવરાત્રીમાં અનેરું મહત્વ હોય છે
અહીંયા દરવર્ષે શક્તિ અને ભક્તિરૂપી નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવે છે, ત્યારબાદ રાત્રિના ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન થાય છે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા અહીંયા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં સમગ્ર ગ્રામ્યજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે.