વિદ્યાર્થીઓ મસ્ત, યુનિવર્સિટી ત્રસ્ત: સુરતની નર્મદ યુનિવર્સિટીમાં, વિદ્યાર્થીઓ નશાકારક પદાર્થ લેતા હોવાની શંકા

Surat VNSGU News: સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું હોવાની શંકા સેવાય રહી છે. કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના(Surat VNSGU News) રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે.

વિદ્યાર્થીઓ બન્યા બેફામ
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ બેફામ બન્યા છે. અહીં વિદ્યાર્થીઓ દારૂ, માદક નશીલા પદાર્થોનું સેવન કરી આવે છે. સીસીટીવી તોડી નાંખે છે. યુનિવર્સિટીના કેમ્પસમાં ગાડીના બોનેટ પર બેસી રીલ બનાવે છે. થોડા સમય પહેલાં જ આવો વીડિયો વાયરલ થયો હતો.વિદ્યાર્થીઓના આવા તોફાનથી યુનિવર્સિટી હેરાન થઈ ગઈ છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સબક શીખવવા પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું છે. યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા માંગ
વિદ્યાર્થીઓનું વર્તન જોતાં નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય તેવી માહિતી મળી છે, જે ધ્યાને લઈને વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવા વિનંતી છે.આ વર્ષે એબીવીપીએ કેમ્પસમાં એમ્ફી થિયેટર પાસે ગણેશજીની સ્થાપના કરવા મંજૂરી માંગી હતી, જ્યારે યુનિવર્સિટીના સત્તાધિશોએ પણ કેમ્પસમાં એક જ સ્થાપના કરવા દેવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ ન થાય. જોકે, આ નિર્ણય સામે પૂર્વ પેનલે યુનિવર્સિટી કેમ્પસમાં જ બીજા ગણેશજી સ્થાપવાની જીદ પકડતાં વિવાદ સર્જાયો છે.

ગણેશ ઉત્સવના માહોલમાં અલગ અલગ ફરિયાદો મળી
આ મામલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ કહ્યું કે, ગણેશ ઉત્સવના માહોલમાં અલગ અલગ ફરિયાદો મળી છે. કેટલાંક વિદ્યાર્થીઓ રિલ બનાવવા યુનિવર્સિટીના કેમ્પસમાં, હોસ્ટેલ નજીક સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડી રહ્યાં છે. વેસુ પોલીસને અરજી કરી તપાસ માટે વિનંતી કરી છે. હજુ સુધી ડ્રગ્સ અંગેના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ પોલીસને આ દિશામાં તપાસ કરવા જાણ કરી છે.

નોંધનીય છે કે યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં ચાર અરજી કરાઈ છે, જેમાં ડ્રગ્સ ટેસ્ટ, સીસીટીવી કેમેરા તોડવા, ગણેશ ઉત્સવના આયોજનમાં પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ તેમજ કેમ્પસમાં કારના બોનેટ પર બેસી રિલ બનાવવા જેવા કૃત્યો વિશે ફરિયાદ કરાઈ છે.