ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારા બાદ સૈયદપુરાની ગેરકાયદે મિલકતો પર દાદાનું બુલડોઝર ફર્યું; જાણો સમગ્ર મામલો

Surat Ganesh Pandal News: સૈયદપુરા વરીયાવી બજારમાં રવિવારે રાત્રે શ્રીજીના પંડાલ પાસે પથ્થરમારો થતાં વાતાવરણ તંગદીલીભર્યું બન્યું હતું. જે બાદ અસામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપી પણ કરી હતી. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવીને કાર્યવાહી કરીને 27 લોકોની ધરપકડ કરી છે. ત્યારે હવે પોલીસ બાદ મનપા એક્શનમાં આવ્યું છે. સૈયદપુરા પોલીસ ચોકી નજીક કે મનપાએ (Surat Ganesh Pandal News) એક્શન લીધા છે. ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝર ફેરવાયું છે. આ દરમિયાન ગતરોજ બનેલી ઘટના બાદ હોબાળો ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવી દેવાયું હતું.

સુરત પોલીસની સાથે સાથે મનપા પણ એક્શનમાં
આ અંગે વાત કરીએ તો, સુરત શહેરમાં ગઈકાલે રાત્રે ગણેશ પંડાલમાં પથ્થરમારાની જે ઘટના બની હતી તે બાદ સુરત પોલીસે તરત જ એક્શન લીધા હતા. જેમાં 27 જેટલા અસામાજિક તત્વોને પકડી લીધા હતા. આ ઘટના બાદ હવે સુરત પોલીસની સાથે સાથે મનપા પણ એક્શનમાં આવી ગયું છે. સુરત મહાનગર પાલિકાએ ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું ચાલુ કર્યું છે. સૈયદપુરા પોલીસ ચોકી નજીક ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવાયું છે. જે પણ ગેરકાયદે લારી ગલ્લા તે તમામને હટાવી દેવામાં આવ્યા છે.

ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું
આ બજારમાં ઘણા સમયથી ગેરકાયદે બાંધકામ અને લારી-ગલ્લા જોવા મળતા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા, રાહદારીઓ માટે રસ્તો ન હોવો, નાના-મોટા અકસ્માત થવા જેવા બનાવો બનતા હતા. લોકોએ પણ આ વિસ્તારને લઈને અનેક ફરિયાદો તંત્ર સમક્ષ રજૂ કરી હતી. જે બાદ આજે તંત્ર દ્વારા તમામ ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરીને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પહેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા ત્યારબાદ બુલડોઝરથી વધારાના સ્ટ્રક્ચર દૂર કરાયા છે.

તંત્ર એક્શનમાં
અત્યારે સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલકતો છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ થતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકાની ટીમ બૂલડોઝર લઈને પહોંચી ગઈ છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર હાજર રહીને કાર્યવાહી કરાવી રહ્યા છે.

અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા કૃત્યને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. આજે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા દબાણ થયેલી મિલકતો ઉપર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.