સુરતમાં ટ્રેન ઉથલાવવાના કાવતરામાં એલર્ટ કરનાર રેલકર્મીઓએ જ પેડલોક કાઢ્યાનો ઘટસ્ફોટ, જાણો સમગ્ર મામલો

Surat Train News: તાજેતરમાં જ સુરતના કીમ-કોસંબા વચ્ચે 71 ERC ખોલી મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી છે. ખાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નજર પણ આ ઘટના પર છે. ત્યારે સુરત ગ્રામ્ય પોલીસનાં (Surat Train News) સૂત્રો અને રેલવેનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. પોતે જ પેડલોક કાઢ્યા હતા.

ફેમસ થવા માટે આ કૃત્ય કર્યું હતું
NIAને સૌથી પ્રથમ સુભાષ પર શંકા ગઈ હતી, કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એમ નહીં. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલાં ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાઇલટને કોઈપણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી. કોઈપણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટનાસ્થળથી મળી આવી નહોતી, રેલવેના કર્મચારીઓએ ફેમસ થવા માટે આ કૃત્ય કર્યું હતું. પરંતુ તેમને ખબર નહોતી કે તેમને નકારાત્મક ફેમસ મળી જશે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, નોકરીમાં પ્રમોશન, સોશિયલ મીડિયામાં ખ્યાતિ અને રેલવે વિભાગ દ્વારા આપવામાં આવનાર એવોર્ડ માટે તેઓએ આ કૃત્ય કર્યું હતું.

આરોપી સુભાષ પોતાના અધિકારીઓને જે વીડિયો ક્લિપ આપ્યા હતા તેના સમયમાં અને વીડિયો ક્લિપ ઉતારવામાં લગભગ 25 મિનિટનો ફેર હતો અને આ જ કારણ હતું કે, પોલીસને તેની ઉપર પ્રથમ શંકા ગઈ. એસીપી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, સુભાષ સૌથી જૂનો કર્મચારી છે. 9 વર્ષથી રેલવેમાં નોકરી કરે છે. મનિશ છેલ્લા દોઢ વર્ષથી કામ કરે છે. ત્રીજો શુભમ છે કોન્ટ્રેક્ટ પરનો લેબર છે અને એ થોડા દિવસથી જ આવ્યો છે.

સુભાષના કહેવાથી મનિશે તેની સાથે રહ્યો હતો અને આ કૃત્યને અંજામ આપ્યો છે. આમાં મુખ્ય આરોપી સુભાષ છે. ત્રણેય આરોપી ટ્રેક મેઇન્ટેનન્સની ટ્રેકમેન તરીકેની જવાબદારી નિભાવે છે. આ કૃત્ય કરવાનો પહેલો વિચાર સુભાષને આવ્યો હતો. પણ ક્યારથી કઈ રીતે વિચાર આવ્યો એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. રેલવે વિભાગના ઇજનેર ફરિયાદી બન્યા છે. બનાવની હકિકત 5 વાગ્યા પછીની બતાવે છે. પરંતુ પોલીસે સુભાષની પૂછપરછ કરી ત્યારે ટ્રેનો પસાર થાય છે તેના સમય પણ અગત્યનો છે.

5.20 વાગ્યા પછી તેમણે જોયું કે, ફિશ પ્લેટ અને પેડલોક ટ્રેક પર પડ્યા છે. પછી તેણે ફોટો અને વીડિયો લીધા. ત્યારબાદ તેણે જે-તે અધિકારીને રિપોર્ટિંગ કરી ગરીબ ટ્રેનરથને રોકાવડાવ્યા. એ ટાઇમિંગ છે તે તેના મોબાઈલમાં રિસાઇકલબિનમાંથી મળેલા ફોટો-વીડિયો સાથે કોઈ મેચ થતો નથી. એક 4.57 વાગ્યાનો મળે છે, બીજો 2.56 વાગ્યાનો, 2.57 વાગ્યાનો, 3.14 વાગ્યાનો મળે છે. FIRમાં લખાવ્યું છે તે આ મળેલા પૂરાવાથી સંપૂર્ણ વિસંગતતા દર્શાવે છે.

આરોપીઓના નામ

1. સુભાષકુમાર કૃષ્ણદેવ પોદાર (ઉં.વ. 39. રહે, શિવધારા રેસિડેન્સી, કિમ મૂળ રહે. રેડક્રોસ રોડ, આદમપુર થાના, આદમપુર જી. ભાગલપુર, બિહાર)
2. મનિષકુમાર સુરદેવ મિસ્ત્રી (ઉં.વ. 28 હાલ રહે, ઇ-44 રેલવે કોલોની કિમ, તા. ઓલપાડ જિ. સુરત, મૂળ રહે, અંકુડી થાણા પાલીગંજ જિ. પટના, બિહાર)
3. શુભમ શ્રીજયપ્રકાશ જયસ્વાલ (ઉં.વ. 23 હાલ રહે, મુન્ના એજન્સી કિમ, તા. ઓલપાડ, જિ.સુરત, મૂળ રહે. સવૈયા માહાલાવાડ પોસ્ટ. કેરાયગાવ થાના, સહાબગંજ જિ. ચંડોલી, યુપી)

પોલીસ આવનારા દિવસોમાં આરોપીઓના રિમાન્ડ મેળવશે
તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રેન રોકી આટલા લોકોને બચાવ્યા એ બાબતે પ્રસિદ્ધિ અને ઈનામ મેળવવાનો હતો. પોલીસ આવનારા દિવસોમાં આરોપીઓના રિમાન્ડ મળવીને રિ-કન્ટ્રક્શન કરશે. 2.56 અને 2.57 વાગ્યાનો ફોટો પડે છે અને પછી 4.57 વાગ્યે ઉતારેલી 28 મિનિટની વીડિયો ક્લિપ મળે છે. આ આખા 4 કિલોમીટરના રૂટ પર આ ત્રણ જણા છે. જે રીતે કિમથી કોસંબા તરફ જવું અને કોસંબાથી કિમ તરફ પાછું આવવું એવા કુલ ચાર સર્કલ થાય છે. એ આખું રિકન્ટ્રક્શન કર્યા પછી જ ખબર પડશે.