સુરતમાં ફરીથી મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ: દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ પર પાણી ભરાયાં

Surat Rain Update: ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદ સક્રિય બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 3 દિવસથી અલગ અલગ જીલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લા સહિત અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરત (Surat Rain Update) જીલ્લામાં આજે સવારથી જ વરસાદ શરૂ થયો છે. સુરતમાં દોઢ ઈંચથી વધુ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. જેથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.

વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
વહેલી સવારથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સ્થિતિને લઈને ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અખંડ આનંદ કોલેજથી કોઝવે તરફના રસ્તા પર પાણી ભરાયા હતાં. પાણી ભરાવાથી લઈ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ શાળા-કોલેજ આવતા-જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને પણ મુશ્કેલી પડી હતી.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ
સ્થાનિકોએ કહ્યું કે, આ વર્ષ વરસાદ ખૂબ પડ્યો છે. જ્યારે વરસાદ પડે ત્યારે અહિં પાણી ભરાય જાય છે. તેમ છતાં તાયફાઓમાં અને ખોટા દંડ ફટકારવામાં અગ્રેસર પાલિકા દ્વારા એવી કોઈ કામગીરી થતી નથી. જેના કારણે ફરીથી વરસાદી પાણી ન ભરાય. થોડા વરસાદમાં જ રસ્તાઓ પાણીમાં ગાયબ થઈ જાય છે. તેમ છતાં પાલિકા તંત્ર કામગીરી કરવા પણ દેખાતું નથી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વ્યારામાં 8.5 ઈંચ, સોનગઢમાં 6.5 ઈંચ, વિસાવદર અને ઘોઘામાં 6 ઈંચ, પાલીતાણા અને વાપીમાં 4.5 ઈંચ તેમજ વલ્લભીપુર અને પારડીમાં 4.5 ઈંચ તેમજ વલસાડ અને ભાવનગરમાં 4 ઈંચ, શિહોર, ઉના, સૂત્રાપાડા, સાયલા અને કોડીનારમાં પણ વરસાદ નોંધાયો હતો.