Dwarka Accident News: દ્વારકા જિલ્લાના બરડીયા નજીક ભયંકર અકસ્માત થયો છે, આ અકસ્માતમાં 7 લોકોના મોત થયાની જાણકારી મળી છે, જ્યારે 14થી વધારે લોકો ઘાયલ હોવાની પણ માહિતી મળી છે. ત્યારે આ અકસ્માત ટ્રાવેલ્સ બસ, બે કાર અને બાઈક વચ્ચે થયો હતો. આખલો રસ્તામાં આવી જતા બસ ચાલકે હેન્ડલ પરથી કાબુ ગુમાવ્યો હતો, અને ટ્રાવેલ્સ બસ (Dwarka Accident News) સામેથી આવતી બે ગાડીઓને ટક્કર મારી હતી, જેમાં બાઈક સવારનો પણ અકસ્માત થયો હતો.
7 લોકોના મોત થતા અરેરાટી વ્યાપી
દેવભૂમિ દ્વારકાના પાદરમાં ગઈકાલે ઢળતી સાંજે એક ખાનગી બસ તથા સ્વિફ્ટ અને ઈક્કો મોટરકાર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત મુસાફરોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે વાહનોના ફૂરચા બોલી ગયા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં મૃતકોમાં બે માસૂમ બાળક પણ સામેલ છે. મળતી વિગતો મુજબ મોટાભાગના મૃતકો ગાંધીનગરના કલોલ તાલુકાના પલસાણા ગામના રહેવાસી છે. આ ઘટનાના પગલે સમગ્ર દ્વારકા જિલ્લાની રેસ્ક્યૂ ટીમ, ડોક્ટરો, સેવાભાવી કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી.
અકસ્માતના પગલે દોડધામ મચી
મહત્વનું છે કે અકસ્માતમાં એક સાથે 7 લોકોના મોતથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. ઘાયલોને વાહનમાંથી એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરી દ્વારકાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે 7 મૃતકોમાંથી 5 લોકો કલોલના પલસાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે.
15થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
આ અકસ્માતમાં જુદા જુદા વાહનોમાં સવાર સાત મુસાફરોના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય આશરે 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં દ્વારકાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ખંભાળિયા સ્થિત ડીસ્ટ્રીક્ટ જનરલ હોસ્પિટલ ખાતે તમામને ખસેડવામાં આવ્યા હતા.
સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઘટનાસ્થળે પહોંચ્યા
આ બનાવના પગલે જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી 108 એમ્બ્યુલન્સ તેમજ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી વાહનોમાં ઘવાયેલાઓને હોસ્પિટલ તેમજ ખંભાળિયા ખસેડવાની તાકીદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલું જ નહીં, આ ગમખ્વાર અકસ્માત થતાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ વિગેરે પણ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં મદદરૂપ થયા હતા. ખંભાળિયાની સરકારી હોસ્પિટલોમાં ઘવાયેલાઓને તાકીદે તમામ સારવાર મળી રહે તે માટે જામનગરથી જી.જી. હોસ્પિટલના ડોક્ટરોની ટીમનું પણ અત્યારે આગમન થયું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ ડોક્ટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
આ લોકોના થયા મોત
હેતલબેન અર્જુનભાઈ ઠાકોર (ઉં.વ.28, રહે.ગામ, પલસાણા કલોલ, ગાંધીનગર), પ્રિયાંશી મહેશભાઈ ઠાકોર (ઉં.વ.18, રહે. ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર), તાન્યા અર્જુભાઈ ઠાકોર (ઉં.વ.3) ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર), રિયાજી કિશનજી ઠાકોર (ઉ.વ. 2, રહે. ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર), વિરેન કિશનજી ઠાકોર (ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર), ચિરાગ રાણાભાઈ બારિયા (ઉં.વ.26, રહે. બરડીયા, તા દ્વારકા), એક અજાણી મહિલા આ લોકો મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App